Last Updated on by Sampurna Samachar
વિદ્યાર્થીઓને સુરક્ષિત ઘરે મોકલીને શાળામાં રજા જાહેર કરાઇ
દીપડાના દેખાડાથી લોકોમાં ભય ફેલાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવસારીના જલાલપોર તાલુકામાંથી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત કરીએ તો મટવાડ ગામની આદર્શ બુનિયાદી શાળાના પરિસરમાં ધોળા દિવસે એક હિંસક દીપડો અચાનક ઘૂસી આવ્યો હતો. દીપડાએ શાળાના બગીચામાં લટાર મારી હતી. જ્યાં શાળાના સંચાલકોની નજર પડતાં જ સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ભારે ગભરાટ અને ફફડાટનો માહોલ ફેલાઈ ગયો હતો.

શાળાના બગીચામાં વિહરતા આ દીપડાના દ્રશ્યો ત્યાં લાગેલા CCTV કેમેરામાં લાઈવ કેદ થયા છે. માસૂમ બાળકોની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રિમતા આપીને શાળા પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત ઘરે મોકલીને શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. બગીચામાં આંટાફેરા માર્યા બાદ આ દીપડો કૂદીને શાળાની બિલકુલ નજીક આવેલા એક અવાવરુ ગરનાળાની અંદર ઘૂસી ગયો હતો, જે ઘટના પણ CCTV માં કેદ થઈ છે.
વન વિભાગે કડક સુરક્ષા વચ્ચે રેસ્ક્યુ કામગીરી તેજ કરી
શાળા સંચાલકોએ આ અંગે તાત્કાલિક વન વિભાગ ને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને શૂટર્સની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. વન વિભાગ દ્વારા દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે ગરનાળાની આસપાસ વ્યૂહાત્મક રીતે લોખંડના મજબૂત પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. આસપાસના ગ્રામજનોમાં કૌતુક અને ભય હોવાથી, સ્થાનિક પોલીસ બંદોબસ્તની મદદ મેળવીને વન વિભાગે કડક સુરક્ષા વચ્ચે રેસ્ક્યુ કામગીરી તેજ કરી છે.