Last Updated on by Sampurna Samachar
એક જ પરિવારના ૫ લોકોના મોત નીપજ્યા
ભારે ભૂસ્ખલનને કારણે તબાહી મચાવી દીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિમાચલ પ્રદેશમાં હવામાન ખુલ્યા બાદ પણ વાદળ ફાટવાની અને ભૂસ્ખલન થવાની ઘટનાઓ હજુ પણ બની રહી છે. જ્યાં નિરમંડ ઉપમંડળના શર્માની ગામમાં થયેલા ભારે ભૂસ્ખલનને કારણે તબાહી મચાવી દીધી. અહીં, એક ઘરમાં સૂતા પરિવાર પર ભૂસ્ખલન થવાથી તેઓ કાટમાળ નીચે દટાઈ ગયા. એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા. આ ઘટનામાં પરિવારના અન્ય ત્રણ સભ્યો ઘાયલ થયા હતા, જેમને ર્નિમંદમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રામપુરની ખાનેરી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે કુલ્લુ જિલ્લાના નિરમંડ વિકાસ ખંડની ઘાટૂ પંચાયતમાં ભારે ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનના કારણે શર્માણી ગામમાં આવેલ એક ઘર જમીનદોઝ થઇ ગયું. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ૮ લોકો કાટમાળ નીચે દટાઇ ગયા હતા. જેમાં એક જ પરિવારના ૫ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે પરિવારના ત્રણ અન્ય સભ્યોને ગ્રામજનો દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
બંને ભાઈઓના ઘરો જમીનદોસ્ત થયા
પીડિતો ધર્મદાસ અને શિવરામના પરિવારો આ મકાનમાં રહેતા હતા. શિવરામ પોતે ઈજાગ્રસ્ત થયા છે, પરંતુ તેમના સમગ્ર પરિવારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવવો પડ્યો.શિવરામની પત્ની તૃપ્તા દેવી, પુત્ર ચુન્ની લાલ, વહુ અંજના કુમાર, સાત વર્ષની પૌત્રી જાગૃતિ અને પાંચ વર્ષનો પૌત્ર ભોપેશ દરેકના કાટમાળ નીચે દટાઇ જવાથી મોતને ભેટ્યા છે. આ દુર્ઘટનામાં શિવરામ અને તેમના ભાઈ ધર્મદાસ તથા ધર્મદાસની પત્ની કલાદેવી ત્રણેય ઘાયલ થયા છે. ધર્મદાસનો પુત્ર ઘરે ન હોવાથી તે દુર્ઘટનાથી બચી ગયો.
મળતી માહિતી પ્રમાણે આશરે બે અઢી વાગ્યે ઘાટૂ પંચાયતના શર્માની ગામમાં પહાડ પરથી એકાએક ભારે માત્રામાં માટીઓ ધસીને નીચે પડવા લાગી. જેના કારણે બંને ભાઈઓના ઘરો જમીનદોસ્ત થઈ ગયા. ભૂસ્ખલનમાં ઘરમાં ઊંઘતા પરિવારમાંના પાંચ સભ્યો માટી હેઠળ દટાઈ ગયા. ગ્રામજનો દ્વારા તરત જ રાહત કામગીરી શરૂ કરવામાં આવી અને ગુમ થયેલા લોકોની શોધખોળ હાથ ધરાઈ. લાંબા સમય પછી એક શબ મળ્યું, બાદમાં આશરે છ કલાક ચાલેલા શોધખોળ દરમિયાન બાકીના ચાર મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા.