Last Updated on by Sampurna Samachar
આ રમતે મારી કસોટી કરી, મને ઘડ્યો લખી લોકોને જણાવ્યું
વિરાટે ૧૨૩ ટેસ્ટ મેચોમાં ૯૨૩૦ રન બનાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટના સ્ટાર ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતાં કોહલીએ એક ભાવુક પોસ્ટ કરી છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ (TEST) ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ ર્નિણયની માહિતી આપી હતી.
વિરાટે ટેસ્ટ જર્સીમાં પોતાનો એક ફોટો શેર કરતાં લખ્યું, “બેગી બ્લૂ જર્સી પહેરીને ટેસ્ટ ક્રિકેટમાં પહેલું પગલું મૂક્યાને ૧૪ વર્ષ થઈ ગયા. સાચું કહું તો, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આ ફોર્મેટ મને આવો અનોખો અનુભવ કરાવશે. આ રમતે મારી કસોટી કરી, મને ઘડ્યો અને એવા જીવનપાઠ શીખવ્યા જે હું હંમેશાં સાથે રાખીશ.”
આ રમતે મને મારી અપેક્ષાઓથી ઘણું વધારે આપ્યું
કોહલીએ આગળ કહ્યું, “વ્હાઇટ જર્સીમાં રમવું એ એક ખૂબ જ ખાસ અનુભવ છે. ધીરજપૂર્વક કરેલી મહેનત, લાંબા દિવસો, નાની-નાની ક્ષણો જે કોઈ નથી જોતુ પણ તે હંમેશાં તમારી સાથે રહે છે. આ ફોર્મેટથી દૂર જવું સરળ નથી, પરંતુ આ ર્નિણય યોગ્ય લાગે છે. મેં અહીં મારું બધું જ આપ્યું, અને આ રમતે મને મારી અપેક્ષાઓથી ઘણું વધારે આપ્યું.”
વિરાટે ૧૨૩ ટેસ્ટ મેચોમાં ૪૬.૮૫ની સરેરાશથી ૯૨૩૦ રન બનાવ્યા છે અને ૩૦ સદી પણ ફટકારી છે. વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન પણ છે. તેઓએ ૬૮ માંથી ૪૦ ટેસ્ટ મેચ જીતી છે. વિરાટ કોહલીએ ૨૦૧૬-૨૦૧૯ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે ૪૩ ટેસ્ટ મેચમાં ૬૬.૭૯ની સરેરાશથી ૪૨૦૮ રન બનાવ્યા. તેણે ૬૯ ઇનિંગ્સમાં ૧૬ સદી અને ૧૦ અડધી સદી ફટકારી હતી. આનાથી તે ટેસ્ટ ક્રિકેટનો મહાન ખેલાડી બન્યો.
વિરાટ કોહલીએ ૨૦ જૂન, ૨૦૧૧ના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. તેમની ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તેમણે ૪ રન અને બીજી ઇનિંગમાં ૧૫ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ની પાંચમી ટેસ્ટ મેચ વિરાટ કોહલીની અંતિમ ટેસ્ટ મેચ હતી. ૩થી ૫ જાન્યુઆરી દરમિયાન રમાયેલી આ મેચની પ્રથમ ઇનિંગમાં તેમણે ૧૭ રન બનાવ્યા હતા, જ્યારે તેમની કારકિર્દીની અંતિમ ટેસ્ટ ઇનિંગમાં તેમણે ૬ રન બનાવ્યા હતા.