આરોપી વિજય સામે અનેક ગુનાઓ હોવાનું પણ સામે આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
જુનાગઢમાં દિવસે ને દિવસે લુખ્ખાઓનો આતંક વધી રહ્યો છે ત્યારે જુનાગઢ શહેરના હદય સમાં કાળવા ચોક વિસ્તારમાં રાત્રિના સમયે અસામાજિક તત્વોએ તિક્ષણ હથિયાર લઈને ધમાલ મચાવી હતી. જ્યારે રિક્ષાચાલક વિવેક સાગઠીયા પાસેથી પૈસાની માંગણી કરી રીક્ષા ચાલકને હથિયાર વડે માર માર્યો હતો અને આખા એ વિસ્તારને રાત્રિના સમયે બાનમાં લીધું હતું. સમગ્ર મામલે પોલીસની જુદી જુદી ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને ફિલ્મી સ્ટાઇલમાં આતંક મચાવનાર વિજય ચુડાસમા નામના શખ્સને ઝડપી લીધો છે. ઝડપાયેલ વિજય સામે અનેક ગુનાઓ હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.
જૂનાગઢમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે. જાહેરમાં હથિયારની અણીએ શખ્સે યુવકને ધમકાવ્યો હતો. ધારિયા સાથે આવેલ શખ્શ દ્વારા પૈસાની માંગણી કરી હતી. ત્યારે યુવાને પૈસા આપવાની ના પાડતા યુવાન પર હુમલો કર્યો હતો. જેથી યુવકને પગમાં ઈજાઓ પહોંચવા પામી હતી. જે બાદ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બાબતે જૂનાગઢ ડીવાયએસપી નિકિતા શીરોયાએ જણાવ્યું હતું કે, ફરિયાદ વિવેકભાઈ મનીષભાઈ સાગઠીયા જેઓ રીક્ષા ડ્રાયવર છે અને રીક્ષા ચલાવવાનું કામ કરે છે અને રાત્રે ૧૦ વાગ્યા આસપાસ તેઓ કાળવા ચોક ખાતે હાજર હતા. ત્યારે આરોપી વિજયભાઈ ચુડાસમા દ્વારા તેઓ પાસે પૈસાની માંગણી કરવામાં આવેલ હતી. વિજયભાઈએ કહેલ કે તું રીક્ષાનાં ફેરા કરે છે તો મને તારા વકરામાંથી મને પાંચ સો રૂપિયાની રકમ આપ. જો તું નહી આપે તો જોયા જેવી થશે. તેવી ધમકી આપી હતી. જે બાદ વિવેકભાઈએ પૈસા આપવાની ના પાડતા વિજયએ વિવેકભાઈનાં પગમાં ઉંધા ધારીયાનો ઘા કર્યો હતો. જેનાં આધારે બી ડીવીઝન પોલીસ મથકે આ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેમજ વિજયભાઈને રાઉન્ડ અપ કરી દેવામાં આવેલ છે. તેમજ તેમનાં ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.