Last Updated on by Sampurna Samachar
LDP એ એકલા હાથે બહુમતી હાંસલ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ શેર કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જાપાનના વડાપ્રધાન સાનાય તાકાઈચીના ગઠબંધને યોજાયેલી વિન્ટર સ્નેપ ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. કન્ઝર્વેટિવ નેતા સાનાય તાકાઈચી જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન છે. તેમણે અગાઉ કહ્યું હતું કે તેઓ બ્રિટનની “આયરન લેડી” માર્ગારેટ થેચરથી પ્રેરિત છે.

શાસક પક્ષના ઉમેદવારોએ સંસદની ૪૬૫ બેઠકોવાળા નીચલા ગૃહમાં ૨૩૩ બેઠકોના બહુમતી આંકડાને વટાવી દીધો. મતદાન પૂર્ણ થયાના બે કલાકથી પણ ઓછા સમયમાં LDP એ એકલા હાથે બહુમતી હાંસલ કરી હતી. આ પાર્ટીના અત્યાર સુધીના શ્રેષ્ઠ ચૂંટણી પરિણામોમાંનું એક માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાનાય તાકાઈચીને તેમની જીત બદલ અભિનંદન આપ્યા હતા.
ભારત-જાપાન મિત્રતા નવી ઊંચાઈઓ સુધી પહોંચશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર એક પોસ્ટમાં સાનાય તાકાઈચીને તેમની જંગી જીત બદલ અભિનંદન આપ્યા. તેમણે લખ્યું, “પ્રતિનિધિ ગૃહની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ સાનાય તાકાઈચીને અભિનંદન. અમારી ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.” વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું, “મને વિશ્વાસ છે કે તમારા સક્ષમ નેતૃત્વ હેઠળ ભારત-જાપાન મિત્રતા નવી ઊંચાઈઓ સુધી પહોંચશે.”
જાપાનમાં અમેરિકાના રાજદૂત જ્યોર્જ એડવર્ડ ગ્લાસે સાનાય તાકાઈચીને તેમના “પ્રભાવશાળી વિજય” બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે તેમની સરકાર સાથે કામ કરવા આતુર છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં તેમના પક્ષના નેતૃત્વની ચૂંટણી જીત્યા પછી સાનાય તાકાઈચીએ ૩૬ વર્ષમાં દેશની પ્રથમ મિડ વિન્ટર ચૂંટણી કરાવવાની જાહેરાત કરી. આ ચૂંટણીનો ઉદ્દેશ્ય જનતા પાસેથી નવો જનાદેશ મેળવવાનો હતો. તેમના ર્નિણયને એક મોટો રાજકીય જુગાર માનવામાં આવ્યો, કારણ કે તેમની લિબરલ ડેમોક્રેટિક પાર્ટીએ સંસદના બંને ગૃહોમાં બહુમતી ગુમાવી દીધી હતી. કોમેતો પાર્ટી સાથેનું તેમનું લાંબા સમયથી ચાલતું ગઠબંધન પણ તૂટી ગયું હતું. તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં શાસક પક્ષ બહુમતીનો આંકડો પાર કરી ગયો છે.