Last Updated on by Sampurna Samachar
મુજપર ગામમાં શ્વાને નિર્દોષ લોકોને બચકાં ભરતા કરી દોડધામ
શ્વાન હજુ પણ ગામની આસપાસ રખડતાં હોવાની ચર્ચા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા અને હડકાયા શ્વાનનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. માહિતી મુજબ મુજપર ગામમાં એક હડકાયા શ્વાને અચાનક આતંક મચાવતા ગામના નિર્દોષ નાગરિકો પર હુમલા કર્યા હતા. આ શ્વાને રસ્તા પરથી પસાર થતા ૪ થી ૫ લોકોને શરીરના ભાગે ગંભીર બચકા ભરી લીધા હતા, જેના કારણે સમગ્ર ગામમાં અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, હડકાયા શ્વાનનો શિકાર બનેલા લોકોમાં ૪ માસૂમ બાળકો પણ સામેલ છે. શ્વાને બાળકો પર હુમલો કરતા તેમના રડવાનો અને ચીસાચીસનો અવાજ સાંભળી આજુબાજુના ગ્રામજનો લાકડીઓ લઈને દોડી આવ્યા હતા.
વારંવાર રજૂઆતો છતાં તંત્રના કોઇ પગલાં નહીં
આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા તમામ બાળકો અને અન્ય લોકોને તાત્કાલિક અસરથી ૧૦૮ મારફતે સુરેન્દ્રનગરની મુખ્ય મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાત્રિના અંધકારમાં બનેલી આ ઘટનાને પગલે મુજપર ગામના લોકોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.
ઉલ્લેખનીય છે કે શ્વાન હજુ પણ ગામની આસપાસ જ રખડતો હોવાથી ગ્રામજનો દ્વારા રાત્રે ઘરની બહાર ન નીકળવા તેમજ બાળકોને એકલા ન મૂકવા માટે સાવચેતી રાખવાની ખાસ અપીલ કરવામાં આવી રહી છે. સ્થાનિકોમાં તંત્ર સામે રોષ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ રખડતા શ્વાન પકડવાની કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે આજે નિર્દોષ બાળકો ભોગ બન્યા છે.