Last Updated on by Sampurna Samachar
મહિલા વિદ્યાર્થીઓનો વીડિયો બનાવતા ઝડપાયો
હોસ્ટેલમાં ભારે હડકંપ અને દહેશતનો માહોલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના નાહન (બડૂ સાહિબ) સ્થિત એટર્નલ યુનિવર્સિટીમાંથી સુરક્ષામાં અત્યંત શરમજનક અને ગંભીર ખામીનો મામલો સામે આવ્યો છે. અહીં ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં એક સફાઈ કર્મચારી દ્વારા કથિત રીતે વિદ્યાર્થીનીઓનો વીડિયો રેકોર્ડ કરવાની સનસનાટીભરી ઘટના બની છે. આ ઘટનાથી હોસ્ટેલમાં ભારે હડકંપ અને દહેશતનો માહોલ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી સફાઈ કર્મચારીની ઓળખ ઝારખંડના રહેવાસી છેદન સાહુ તરીકે થઈ છે. જ્યારે વિદ્યાર્થીનીઓને વોશરૂમમાં વીડિયો બનાવવામાં આવતો હોવાની શંકા ગઈ, ત્યારે તેમનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આરોપીએ પોતાની જાતને ફસાયેલી જોઈને પોતાના મોબાઈલમાંથી વીડિયો ડિલીટ કરી પુરાવા મિટાવવાનો પ્રયાસ કર્યો અને ત્યાંથી ભાગવા લાગ્યો હતો. પરંતુ જાગૃત વિદ્યાર્થીનીઓએ સમજદારી બતાવી તેને ભાગતા પહેલા જ પકડી લીધો, તેની બરાબરની પીટાઈ કરી અને ત્યારબાદ તેને પોલીસને હવાલે કરી દીધો હતો.
આરોપી સફાઈ કર્મચારીની ધરપકડ કરાઇ
આ સમગ્ર હોબાળા વચ્ચે યુનિવર્સિટી મેનેજમેન્ટની ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટના બાદ અંદાજે અઢી કલાક સુધી મેનેજમેન્ટ ઉતાવળમાં બેઠકો કરીને મામલાને અંદરખાને જ શાંત કરવા અને દબાવવાનો પ્રયાસ કરતું રહ્યું હતું.
જાેકે, જ્યારે વિદ્યાર્થીનીઓનો વિરોધ ઉગ્ર બન્યો અને મામલો હાથમાંથી બહાર જતો દેખાયો, ત્યારે પોલીસને આ અંગે સત્તાવાર જાણ કરવામાં આવી હતી. આ પહેલા મેસના જમવામાં જીવાત મળવા બાબતે પણ અહીં વિવાદ થઈ ચૂક્યો છે.
મામલાની ગંભીરતાને જોતા પોલીસ સતર્કતાથી કાર્યવાહી કરી રહી છે. રાજગઢના વિદ્યા ચંદ નેગીએ જણાવ્યું કે પોલીસે ઘટના સંદર્ભે તાત્કાલિક ફરિયાદ નોંધી લીધી છે. આરોપી સફાઈ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાસ્થળે તૈનાત અન્ય મજૂરોના મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા છે. પોલીસ હવે આ મોબાઈલની ટેકનિકલ અને ફોરેન્સિક તપાસ કરી રહી છે જેથી એ જાણી શકાય કે વીડિયો ડિલીટ થયા પહેલા ક્યાંક અન્ય કોઈને ફોરવર્ડ તો કરવામાં નથી આવ્યા ને.