Last Updated on by Sampurna Samachar
બિહારમાં પરિવહન વિભાગે વાહન ચાલકોને કર્યો કડક નિર્દેશ
મહિનાની અંદર જાતિસૂચક શબ્દો અથવા સ્ટીકરો હટાવી દેવા સૂચના
(સંપૂર્ણ સમાચાર સેવા)
આમ તો સામાન્ય રીતે વાહન પર રજીસ્ટ્રેશન નંબર પ્લેટ અને જે-તે વાહન કંપનીનું નામ હોય છે, જ્યારે અન્ય કોઈ શબ્દો લખવા ગુનો બને છે. હાલના સમયમાં અનેક વાહનો પર જાતિસૂચક શબ્દો લખાયેલા જોવા મળે છે, ત્યારે હવે આવા શબ્દો વાહન પર લખાયેલા જોવા મળશે તો કડક દંડ ફટકારવાનો આદેશ અપાયો છે.

બિહારમાં પરિવહન વિભાગે તમામ વાહનો પરથી જાતિસૂચક શબ્દો હટાવવાનો કડક નિર્દેશ આપ્યો છે અને વાહન ચાલક નિયમનું ઉલ્લંઘન કરે તો બે હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ અપાયો છે. વિભાગે ચેતવણી આપી છે કે, તમામ વાહન માલિકો એક મહિનાની અંદર જાતિસૂચક શબ્દો અથવા સ્ટીકરો હટાવી દે. ત્યારપછી પોલીસ વિશેષ અભિયાન હાથ ધરીને તમામ વાહનોની કડકાઈથી તપાશ કરશે અને ઉલ્લંઘન કરનારને કડક દંડ ફટકારશે.
રાજ્યમાં ૭૦૦ સ્થળો પર એઆઈ કેમેરા સજ્જ થશે
આદેશમાં સ્પષ્ટ કહેવાયું છે કે, નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન માલિકોને મોટર અધિનિયમ-૧૯૮૮ની કલમ ૧૭૭ અને ૧૭૯ હેઠળ બે હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. વિભાગે તમામ વાહન માલિકોને નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં વાહનો પર જાતિસૂચક શબ્દો લખવા કે સ્ટીકરો લગાવવાનું ભારે ઘેલું છે, તેથી જ વિભાગ દ્વારા આવા કડક આદેશ જાહેર કરવામાં આવે છે. બિહાર પરિવિભાગે જાતિસૂચક શબ્દો હટાવવાનું કડકાઈથી પાલન કરવા માટે એઆઈ કેમેરાથી સજ્જ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પર ઝડપી કામગીરી હાથ ધરી દીધી છે.
આ માટે આખા રાજ્યમાં ૭૦૦ સ્થળો પર એઆઈ કેમેરાથી સજ્જ ઈન્ટેલિજન્સ ટ્રાફિક મેનજેમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે, આ માટે સ્થળોની પસંદગીની કામગીરી ટૂંક સમયાં શરૂ કરાશે.