Last Updated on by Sampurna Samachar
વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ આપી દીધુ રાજીનામું
રાજીનામાથી રાજકીય ગલીઓમાં ચર્ચાઓ તેજ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટક મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી બાદ કોંગ્રેસ સરકારની અંદરનો અસંતોષ ખુલ્લેઆમ સામે આવી ગયો છે. વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ મંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. તેમણે જણાવ્યું કે તેમને જે વિભાગનું વચન આપવામાં આવ્યું હતું તે મળ્યું નથી, જેના કારણે તેમણે આ ર્નિણય લીધો છે.

રામલિંગા રેડ્ડીએ જોકે સ્પષ્ટ કર્યું હતું કે તેમનું આ પગલું પક્ષ વિરોધી નથી. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે અને વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પોતાની જવાબદારીઓ નિભાવતા રહેશે.વિભાગોની ફાળવણીના એક દિવસ બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં રામલિંગા રેડ્ડીએ કહ્યું કે તેઓ કોઈ વ્યક્તિથી નારાજ નથી, પરંતુ તેમણે પોતાના આત્મસન્માન માટે આ ર્નિણય લેવો પડ્યો છે.
‘ન તો શિવકુમારથી નારાજ છે અને ના તો સિદ્ધારમૈયાથી’
તેમણે જણાવ્યું કે તેમણે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના અગ્ર સચિવને એક સહયોગીના માધ્યમથી મોકલી આપ્યું છે. રામલિંગા રેડ્ડીએ દાવો કર્યો હતો કે જ્યારે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારે તેમને બેંગલુરુ અર્બન ડેવલપમેન્ટ વિભાગ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, “તે સમયે મેં સ્પષ્ટ કહ્યું હતું કે મને મંત્રી પદ જોઈતું નથી. પરંતુ પાછળથી ડી.કે. શિવકુમાર મારા ઘરે આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે જ્યારે તેમને મુખ્યમંત્રી બનવાની તક મળશે, ત્યારે બેંગલુરુ ડેવલપમેન્ટ વિભાગ મને આપવામાં આવશે.”
રેડ્ડીએ ભાવુક થતાં કહ્યું, “મેં ક્યારેય આ વિભાગની માંગ મારી જાતે નહોતી કરી, પરંતુ મને વારંવાર તેનો ભરોસો આપવામાં આવ્યો હતો. બે વાર વચન આપ્યા પછી હવે મને જળ સંસાધન વિભાગ આપી દેવાયો. હું આ ર્નિણયથી ખૂબ જ નિરાશ છું અને એટલા માટે જ રાજીનામું આપી રહ્યો છું.”
રામલિંગા રેડ્ડીએ પોતાનું રાજીનામું સીધું મુખ્યમંત્રીને સોંપવાને બદલે પોતાના એક સમર્થક દ્વારા મુખ્યમંત્રીના અગ્ર સચિવને મોકલાવ્યું છે. તેમના ત્યાગપત્રમાં તેમણે લખ્યું છે, “હું કેબિનેટમાં મંત્રી પદ આપવા બદલ આપનો અને કોંગ્રેસ પક્ષનો આભાર વ્યક્ત કરું છું. જોકે, હું મારા અંતરાત્મા વિરુદ્ધ કામ કરવા અસમર્થ હોવાથી, હું મંત્રી પદ પરથી મારું રાજીનામું સુપરત કરી રહ્યો છું. કૃપા કરીને આનો સ્વીકાર કરશો.”
રાજકીય ગલીયારાઓમાં આ વાતને લઈને પણ ચર્ચાઓ તેજ થઈ છે કે રામલિંગા રેડ્ડીએ પોતાના ત્યાગપત્રમાં ‘માનનીય મુખ્યમંત્રી‘ તરીકે ડી. કે. શિવકુમારને સંબોધિત કર્યા છે, જે રાજ્યની અંદર ચાલી રહેલી આંતરિક ખેંચતાણ તરફ ઈશારો કરે છે. જોકે, રેડ્ડીએ મીડિયાને જણાવ્યું હતું કે તેઓ વ્યક્તિગત રીતે ન તો શિવકુમારથી નારાજ છે અને ના તો સિદ્ધારમૈયાથી.
વાસ્તવમાં, રામલિંગા રેડ્ડી ‘બેંગલુરુ શહેરી વિકાસ‘ વિભાગની માંગ કરી રહ્યા હતા. તેઓ આ મહત્વપૂર્ણ વિભાગ પર પોતાની કમાન ઈચ્છતા હતા, પરંતુ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે આ જવાબદારી બ્યાટરાયનપુરાના ધારાસભ્ય કૃષ્ણા બાયરે ગૌડાને સોંપી દીધી.