Last Updated on by Sampurna Samachar
‘ત્રિપલ તલાક‘ કેસમાં મહેસાણા જ્યુડિશિયલ કોર્ટનો મહત્વનો ચૂકાદો
મહેસાણા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતની મહેસાણા જ્યુડિશિયલ કોર્ટે મહિલાઓના અધિકારો અને ન્યાય માટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. મુસ્લિમ મહિલા અધિનિયમ હેઠળ, ત્રિપલ તલાક આપવાના કેસમાં કોર્ટે આરોપી પતિ ઇમરાન મન્સૂરીને દોષિત ઠેરવી ૧ વર્ષની કેદની સજા ફટકારી છે.

આ કેસની વિગત મુજબ, વર્ષ ૨૦૨૪માં ઇમરાન મન્સૂરીએ તેની પત્ની રિઝવાનાબાનુંને શારીરિક અને માનસિક ત્રાસ આપી, માર મારીને બે માસૂમ બાળકો સાથે ઘરની બહાર કાઢી મૂકી હતી. આટલું જ નહીં, કાયદાકીય મનાઈ હોવા છતાં ઇમરાને પત્નીને ‘ત્રિપલ તલાક‘ આપી તરછોડી દીધી હતી. અન્યાય સામે લડત આપતા પીડિતાએ મહેસાણા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
લાંબી કાનૂની લડત બાદ પીડિતાને મળ્યો ન્યાય
ન્યાયિક પ્રક્રિયા દરમિયાન, ફરિયાદી પક્ષના વકીલ ઉજાસ યાજ્ઞિકની ધારદાર દલીલો અને પુરાવાઓને કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા. કોર્ટે માન્યું કે સમાજમાં સ્ત્રી સન્માન જળવાઈ રહે તે જરૂરી છે. સજાની સાથે કોર્ટે આરોપીને રૂ. ૧૦,૦૦૦નો દંડ પણ ફટકાર્યો છે. જો આરોપી આ દંડ ભરવામાં નિષ્ફળ રહેશે, તો તેણે વધુ ૨ માસની જેલ ભોગવવી પડશે.
લાંબી કાનૂની લડત બાદ ન્યાય મળતા પીડિતા રિઝવાનાબાનું ભાવુક થયા હતા. તેમણે આ ઐતિહાસિક ન્યાય માટે ન્યાયતંત્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. આ ચુકાદો ત્રિપલ તલાક જેવી કુરિવાજો સામે લડતી મહિલાઓ માટે આશાનું નવું કિરણ લઈને આવ્યો છે.