Last Updated on by Sampurna Samachar
અલથાણમાં ધોળા દિવસે સિમેન્ટના પતરા મારી કરપીણ હત્યા
મૃતક યુવક અવાર નવાર કરતો હતો છેડતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં સતત બીજા દિવસે હત્યાની વધુ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અલથાણ વિસ્તારમાં એક યુવકની ધોળા દિવસે સિમેન્ટના પતરાના ઘા ઝીંકીને ર્નિમમ હત્યા કરી દેવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ, આ સમગ્ર હત્યાકાંડ પાછળ મહિલાની છેડતીની અદાવત હોવાનું સામે આવ્યું છે, જેમાં પત્નીની લાજ બચાવવાના નામે પતિએ કાયદો હાથમાં લઈ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો.

પોલીસના સત્તાવાર સૂત્રો અને સ્થાનિક અહેવાલો અનુસાર, મૃતક રાહુલ રાજપૂત નામનો યુવક તે જ વિસ્તારમાં રહેતી આરોપી રાજીવની પત્નીની અવારનવાર છેડતી કરતો હોવાનો આક્ષેપ છે. આજે પણ રાહુલે મહિલાની છેડતી કરતા પીડિત પત્નીએ તુરંત જ આ અંગે પોતાના પતિ રાજીવને ફોન પર જાણ કરી હતી. પત્નીની છેડતી થઈ હોવાની વાત સાંભળતા જ રાજીવનો પિત્તો ગયો હતો અને તે ક્રોધે ભરાઈને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રાજીવે ત્યાં ઉભેલા રાહુલ રાજપૂત સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ આસપાસ પડેલા સિમેન્ટના ભારે પતરા વડે તેના પર તૂટી પડ્યો હતો.
અલથાણ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો
સિમેન્ટના પતરાના ઘા માથાના ભાગે વાગતા રાહુલને કટોકટીભરી ગંભીર ઈજાઓ પહોંચી હતી અને અતિશય લોહી વહી જવાના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ધોળા દિવસે જાહેર રોડ પર બનેલી આ ઘટનાથી આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ અલથાણ પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો દોડતી થઈ ગઈ હતી.
ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ ભાગી છૂટેલા મુખ્ય આરોપી રાજીવની ધરપકડ કરી લીધી છે. અલથાણ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. જોકે, સુરતમાં ૨૪ કલાકમાં જ બે-બે હત્યાઓ થતાં સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે.