Last Updated on by Sampurna Samachar
વાડજમાં વિકલાંગ મનજીભાઈએ મતદાન મથકે પહોંચી આપ્યો વોટ
ચૂંટણીમાં વાડજના વિકલાંગ મનજીભાઈ રામાણી પગની આંગળીથી મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિ ફેલાવે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ મતદાન જો કે મતદાનની આ પ્રક્રિયામાં હજુ પણ ઘણા મતદાન મથકો પર મતદારોનો ધસારો જોવા મળતો નથી, ત્યારે અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા મનજીભાઈ રામાણીએ લોકશાહીના પર્વમાં મતદાનનો અનોખો મેસેજ આપ્યો છે. પોતે બે હાથથી વિકલાંગ હોવા છતાં તેઓએ મતદાન મથકે પહોંચી કિંમતી વોટ આપ્યો હતો અને હાથ ન હોવાથી મતદાન મથકમાં તેમના ડાબા પગની આંગળીએ શાહીનું નિશાન કરાવવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા આ વિકલાંગ મનજીભાઈ છેલ્લા ૩૫ વર્ષથી આ રીતે જ મતદાન કરે છે. તેઓએ જણાવ્યું કે, વર્ષ ૧૯૭૦માં રાજકોટમાં શેરડી પીલવાના કારખાનામાં ગોળ બનાવવાનું કામ કરતા હતા. ત્યારે તેમના બંને હાથ મશીનમાં આવી જતા કપાઈ ગયા હતા. ત્યારે મનજીભાઈની ઉંમર માત્ર ૯ વર્ષ હતી.જો કે મનજીભાઈની કલાકારી અજોડ છે. તેઓ બે હાથ નહીં હોવા છતાં મોં વડે ચિત્રો દોરી શકે છે અને છેલ્લા ૩૫ વર્ષથી લોકશાહીના પર્વમાં મતાધિકારનો ઉપયોગ કરે છે.
મતદાન કરતા પૂર્વે તેઓએ મોં વડે પેન પકડી સહી કરે છે
હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે વાડજમાં રહેતા મનજીભાઈ રામાણીએ મતદાનનો અનોખો મેસેજ આપ્યો છે. બે હાથ નહીં હોવા છતાં તેઓ દરેક ચૂંટણીમાં મતદાન કરે છે. હાથ નહીં હોવાથી તેમને વોટ આપ્યા બાદ ડાબા પગની આંગળીએ શાહીનું નિશાન કરાવવામાં આવે છે. મતદાન કરતા પૂર્વે તેઓએ મોં વડે પેન પકડી સહી કરે છે.
મહત્વનું છે કે મનજીભાઈ લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, દરેક ચૂંટણીમાં અચૂક મતદાન કરે છે. તેઓનું માનવું છે કે દરેક લોકોએ મતદાન કરવું જાેઈએ તેવી તેઓએ અપીલ પણ કરી છે. તેઓ પત્ની કૈલાશબેન રામાણી સાથે મતદાન માટે પહોંચ્યા હતા. બંને દંપતીએ મતદાનનો મેસેજ આપ્યો છે. આમ, શરીરે સશક્ત લોકો પોતે મતદાન કરવા ઘરની બહાર નથી નીકળતા ત્યારે તેવા લોકો માટે મનજીભાઈ ઉદાહરણ રૂપ બન્યા છે.