Last Updated on by Sampurna Samachar
ગણતરીના કલાકોમાં પોલીસે આઠેય આરોપીઓને દબોચી લીધા
પોલીસે ઘટનાસ્થળ પર સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાવલી તાલુકાના લામડાપુરા ગામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે તેવી ઘટના સામે આવી હતી. વાત કરીએ તો ગામના સરપંચના પુત્રએ સામાન્ય વિવાદમાં ભાડાના ગુંડાઓ બોલાવી ભારે તોડફોડ મચાવી હતી. આ ગુંડાગીરીના પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મંજુસર પોલીસે મુખ્ય સૂત્રધાર સહિતના તત્વો સામે કડક કાયદાકીય તજવીજ હાથ ધરી છે.

સરપંચ પુત્ર દ્વારા હથિયારો સાથે આવેલા ભાડૂતી ગુંડાઓનો સહારો લઈને આતંક મચાવવામાં આવ્યો હોવાની ફરિયાદ મળતા જ મંજુસર પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે આ મામલે આઠ ઈસમો સામે ગુનો નોંધી દીધો હતો. તેમજ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ તમામ ૮ આરોપીઓને દબોચી લીધા હતા.
પોલીસ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી
આરોપીઓની ધરપકડ કર્યા બાદ મંજુસર પોલીસની ટીમ તમામ ૮ આરોપીઓને કડક પોલીસ બંદોબસ્ત સાથે લામડાપુરા ગામે ઘટનાસ્થળે લઈ ગઈ હતી. પોલીસે ત્યાં સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેથી અસામાજિક તત્વોમાં કાયદાનો ડર પેદા થાય. પોલીસે આ હિંસક ઘટનામાં કયા હથિયારોનો ઉપયોગ થયો હતો અને અન્ય કોણ સામેલ છે તેની ઊંડી તપાસ માટે તમામ આરોપીઓને અદાલતમાં રજૂ કરી તેમના પોલીસ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.