Last Updated on by Sampurna Samachar
પૂરઝડપે આવી રહેલ ટેમ્પોની ટક્કરે યુવકનુ મોત
પલસાણા પોલીસ આગળની તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના પલસાણા તાલુકાના બગુમરા ગામમાંથી પસાર થતા હલદરું રોડ પર હિટ એન્ડ રનની હૃદયદ્રાવક ઘટના બની હતી. વાત કરીએ તો સ્થાનિક યુવક હલદરું રોડની સાઈડમાં બનેલી એક સિમેન્ટની પાળી પર બેઠો હતો. દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલ ટેમ્પોના ચાલકે કાબૂ ગુમાવતાં ટેમ્પોની યુવકને જોરદાર ટક્કર વાગી હતી.

ટેમ્પોની સ્પીડ અને ટક્કર એટલી જોરદાર હતી કે યુવકને ત્યાંથી ભાગવાનો કોઈ મોકો જ ન મળ્યો અને તે ટેમ્પોની અડફેટે આવી જતાં ગંભીર રીતે કચડાઈ ગયો હતો. માથા અને શરીરના ભાગે જીવલેણ ઈજાઓ થવાના કારણે યુવકનુ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ટેમ્પો ચાલકને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન
અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભીડ એકઠી થતી જોઈને શાતિર ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો ઘટનાસ્થળે જ અધવચ્ચે મૂકીને રાતોરાત અંધારામાં ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને મૃતક યુવકના શબને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો. પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પોનો કબજો લઈ લીધો છે અને સીસીટીવી ફૂટેજ તેમજ વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે ફરાર થઈ ગયેલા ખૂની ટેમ્પો ચાલકને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.