Last Updated on by Sampurna Samachar
મુખ્ય પ્રવાસી કેન્દ્રો અને બોર્ડર ક્રોસિંગ પર સુરક્ષા વધારાઇ
UP DGP એ તમામ જિલ્લામાં દેખરેખ વધારવા સૂચના આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર ભારતમાં ડરનો માહોલ છવાઇ ગયો છે. ત્યારે આ ઘટના બાદ ઉત્તરપ્રદેશ , દિલ્હી અને મુંબઈમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ હુમલાને ૨૦૧૯ ના પુલવામા હુમલા બાદ ઘાટીમાં સૌથી મોટો ઘાતક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીઓએ મુખ્ય પ્રવાસી કેન્દ્રો અને બોર્ડર ક્રોસિંગ પર સુરક્ષા વધારી દીધી છે. ઉત્તર પ્રદેશ પોલીસને ખાસ કરીને ધાર્મિક સ્થળો પર સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.
દિલ્હી પોલીસને ટુરિસ્ટ સ્પોટ અને અન્ય મહત્ત્વના સ્થળો પર કડક તકેદારી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. દિલ્હી પોલીસના સૂત્રોએ આ અંગે માહિતી આપી છે. બીજી તરફ મુંબઈમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જયપુર અને અમૃતસરમાં પણ પોલીસ એલર્ટ મોડ પર છે.
ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારી દેવાઇ
ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (DGP) પ્રશાંત કુમારે રાજ્યના તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા મેજિસ્ટ્રેટને સતર્ક રહેવાના આદેશો જારી કર્યા છે. અયોધ્યા, કાશી અને મથુરા જેવા ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. DGP એ તમામ જિલ્લામાં દેખરેખ વધારવા સૂચના આપી છે.
ઘાતક આતંકવાદી હુમલાની નિંદા કરવા માટે વિવિધ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું અને પરિણામે જમ્મુમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં યુપી, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશ, હરિયાણાના લોકોનો સમાવેશ થાય છે. આ હુમલામાં આતંકવાદીઓએ તે લોકોને જ નિશાન બનાવ્યા જેઓ તેમના પરિવાર સાથે ફરવા ગયા હતા. તેઓએ લોકોને તેમના નામ પૂછ્યા પછી ગોળી મારી હતી.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને દેહરાદૂનમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને સમગ્ર જિલ્લામાં સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે અહીં જણાવ્યું કે ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશકની સૂચના પર દહેરાદૂન જિલ્લામાં સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને જિલ્લાની સરહદો અને આંતરિક માર્ગો સહિત તમામ મુખ્ય સ્થળોએ પોલીસ દ્વારા દરેક વાહન અને વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસ અધિક્ષક વિકાસનગર અને ઋષિકેશ દ્ધારા પણ પોતપોતાના ક્ષેત્રમાં પોતે હાજર રહીને પોલીસ ચકાસણીની સમીક્ષા કરવામાં આવી રહી છે.