Last Updated on by Sampurna Samachar
વડાલીના બાપસર ગામે ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ
બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે મિનિટોમાં જ આખું ઘર આગની જપેટમાં આવી ગયું હતું અને ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના બાપસર ગામે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. ગામમાં આવેલા એક રહેણાંક મકાનમાં અચાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે મિનિટોમાં જ આખું ઘર આગની જપેટમાં આવી ગયું હતું અને ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

ઘટનાની મળતી માહિતી અનુસાર, બાપસર ગામના રહેવાસી ભંગી જ્યંતિભાઈ રામાભાઈના ઘરમાં આજે અચાનક ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. બ્લાસ્ટનો અવાજ એટલો પ્રચંડ હતો કે, આસપાસના ગામલોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘરમાં રહેલો સામાન, કપડાં અને અનાજ બધું જ બળીને રાખ થઈ ગયું હતું. જેના કારણે પરિવારને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે.
ઘટનાની જાણ થતા જ વડાલી નગરપાલિકા ફાયર ટીમ અને જનરક્ષક ૧૧૨ ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેથી આગ વધુ પડોશી મકાનોમાં પ્રસરી શકી ન હતી. સદનસીબે, બ્લાસ્ટ સમયે પરિવારના સભ્યો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસ અને ફાયર વિભાગની આ ત્વરિત કામગીરીને ગ્રામજનોએ પણ બિરદાવી હતી.