Last Updated on by Sampurna Samachar
સોશિયલ મીડિયા અભિયાનના લીધે ન્યાયતંત્રની છબી ખરડાઇ
CBI તપાસ કરવાની માંગ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે ‘કોકરોચ જનતા પાર્ટી‘ નામના સોશિયલ મીડિયા આંદોલન વિરુદ્ધ CBI તપાસ કરવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. આ ઓનલાઇન મૂવમેન્ટ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાંતની કોર્ટમાં કરાયેલી એક ટિપ્પણી બાદ કટાક્ષ તરીકે શરૂ થઈ છે.

સુનાવણી દરમિયાન જ્યારે અરજદારના વકીલે દલીલ કરી કે આ સોશિયલ મીડિયા અભિયાનના કારણે ન્યાયતંત્રની છબી ખરાબ થઈ રહી છે, ત્યારે CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની બેન્ચે તેમને શાંત પાડતા બહુ મહત્ત્વની ટકોર કરી હતી કે, આ બાબતને આટલી બધી ભાવનાત્મક (સેન્ટિમેન્ટલ) રીતે લેવાની કોઈ જરૂર નથી.
હાલ સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણીનો કર્યો ઇનકાર
એડવોકેટ રાજા ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં માત્ર ‘કોકરોચ જનતા પાર્ટી‘ આંદોલનનો જ વિરોધ નહોતો કરાયો, પરંતુ તેની સાથે જોડાયેલા લોકો પાસે કાયદાની સાચી ડિગ્રી છે કે નહીં અને તેઓ નકલી વકીલાત તો નથી કરી રહ્યા ને, તે અંગે પણ CBI તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી.
કોર્ટમાં અન્ય એક વકીલે પણ એવી રજૂઆત કરી હતી કે, કોર્ટની કાર્યવાહી દરમિયાન ન્યાયાધીશો દ્વારા સહજ રીતે બોલાયેલા શબ્દો કે ટિપ્પણીઓનો સોશિયલ મીડિયા પર કમાણી કરવા માટે ઉપયોગ ન થવો જોઈએ. જોકે, આ બધી દલીલો સાંભળ્યા પછી ચીફ જસ્ટિસે બહુ ટૂંકો અને સ્પષ્ટ જવાબ આપતા કહ્યું કે, આ મામલામાં હાલ કોઈ એટલી બધી ગંભીર ઉતાવળ નથી, આથી આ વિષયને અમે પછીથી જોઈશું.
આ વિવાદની શરૂઆત ૧૫ મેના રોજ સુપ્રીમ કોર્ટની એક સુનાવણી દરમિયાન થઈ હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે ચિંતા વ્યક્ત કરી હતી કે કેટલાક યુવા વકીલો વકીલાત કરવાને બદલે સોશિયલ મીડિયા અને RTI એક્ટિવિઝમ તરફ વળી રહ્યા છે. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, કેટલાક યુવાનો ‘કોકરોચ‘ની જેમ આ પ્રોફેશનમાં રોજગાર મેળવી શકતા નથી અને સોશિયલ મીડિયા કે RTI એક્ટિવિસ્ટ બનીને સમાજ પર બોજ બની રહ્યા છે.
જોકે, બાદમાં વિવાદ વધતાં ચીફ જસ્ટિસે સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઈશારો સામાન્ય બેરોજગાર યુવાનો તરફ નહીં, પરંતુ નકલી ડિગ્રીઓ લઈને વકીલાતમાં ઘૂસી ગયેલા લોકો તરફ હતો. આમ છતાં, આ ટિપ્પણીની ઇન્ટરનેટ પર વ્યાપક ટીકા થઈ અને તેના વિરોધમાં સોશિયલ મીડિયા પર કટાક્ષ તરીકે ‘કોકરોચ જનતા પાર્ટી‘નો જન્મ થયો.
આ ડિજિટલ કલેક્ટિવની શરૂઆત અમેરિકાના બોસ્ટનમાં રહેતા અભિજીત દીપકે કરી હતી. આ ગ્રુપ રાજકીય કટાક્ષ દ્વારા બેરોજગારી, સંસ્થાકીય જવાબદારી અને મીડિયાની આઝાદી જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવે છે. જોકે, જોતજોતામાં ‘કોકરોચ જનતા પાર્ટી‘ ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ્સ પર એક વિશાળ ઓનલાઇન કેમ્પેઇન બની ગઈ છે. એટલું જ નહીં, આ મૂવમેન્ટના નામે હવે પિટિશનો, મર્ચેન્ડાઇઝ અને ઓનલાઇન ફંડિંગ જેવી પ્રવૃત્તિઓ પણ શરૂ થઈ ગઈ છે.
અરજદાર રાજા ચૌધરીએ પોતાની અરજીમાં સ્પષ્ટતા કરી છે કે તેઓ ન્યાયતંત્રની ટીકા, લોકશાહી વિરોધ, સેટાયર કે બંધારણની કલમ ૧૯(૧)(ટ્ઠ) હેઠળ મળતી વાણી સ્વાતંત્ર્યની આઝાદીની વિરુદ્ધ નથી. તેમનો વાંધો એ છે કે કોર્ટરૂમની અંદર સહજ રીતે બોલાયેલા ‘કોકરોચ‘ શબ્દને સંદર્ભ વગર કાપીને (ક્લિપ કરીને), તેના મીમ્સ બનાવીને, તેનું વ્યાપારીકરણ કરવામાં આવી રહ્યું છે. અલ્ગોરિધમનો ઉપયોગ કરીને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર આ વીડિયોઝ વાઇરલ કરીને કમાણી કરવામાં આવી રહી છે, જે આયોજિત વ્યાપારી શોષણ છે. જોકે, હાલ પૂરતો સુપ્રીમ કોર્ટે આ મામલે કોઈ તાત્કાલિક સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે.