Last Updated on by Sampurna Samachar
દાઉદના ખાસ ડોલાને તુર્કેઈથી પકડીને ભારત લવાયો
સલીમે મુંબઈ, સૂરત સહિત દેશના અનેક રાજ્યોમાં પોતાનું નેટવર્ક વધાર્યું અને MD (મેફેડ્રોન) કારોબારથી અઢળક કમાણી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના ઈન્ટેલિજન્સ બ્યુરોએ સૌથી મહત્ત્વનું ઓપરેશન પાર પાડ્યા બાદ ડૉન દાઉદ ઈબ્રાહિમના ખાસ સલીમ ડોલાને ભારત લવાયો છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સનો કારોબાર ચલાવતા અને ૫૦૦૦ કરોડના ડ્રગ્સ નેટવર્કનો માસ્ટર માઈન્ડ સલીમની તુર્કિયેના ઇસ્તંબુલમાંથી ધરપકડ કરાયા બાદ વિશેષ વિમાનથી દિલ્હી એરપોર્ટ લવાયો હતો. અહીં આઈબીએ તેની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે. પછી તેને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ કુખ્યાત ડ્રગ્સ માફિયા સલીમ ડોલાની પૂછપરછ કરશે, તેના વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ પણ નોંધાયેલો છે. ઈડીએ મની લોન્ડ્રિંગ મામલે ઓક્ટોબરમાં ૮ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. ઈડીએ ડ્રગ્સ કારોબારમાં સામેલ ફેસલ જાવેદ શેખ અને અલ્ફિયા ફેસલની કાળી કમાણીની તપાસ કરવા માટે આ દરોડા પાડ્યા હતા.
એનસીબીએ ડ્રગ્સ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવાની કાર્યવાહી
ત્યારે તપાસમાં ખુલાસો થયો હતો કે, જાવેદ અને અલ્ફિયા સલીમ ડોલા પાસેથી ડ્રગ્સ ખરીદતા હતા. ડોલા પર ડ્રગ્સ તસ્કરીનો અને ગેરકાયદે નેટવર્કમાં ફન્ડિંગ કરવાનો ગંભીર આરોપ છે. એટલું જ નહીં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સલીમ ડોલાની ધરપકડ પર ઈનામ જાહેર કરેલું છે. હાલ ઈડી અને એનસીબીએ ડ્રગ્સ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
મુંબઈના અંડરવર્લ્ડ અને ડ્રગ્સ તસ્કરીની દુનિયામાં કુખ્યાત નામ ધરાવતો સલીમ ડોલાનો જન્મ ૧૯૬૦માં ભાયખલામાં થયો હતો. શરૂઆતમાં સામાન્ય ગુના આચર્યા બાદ તે નશાના કારોબારમાં આગળ વધતો ગયો અને ડ્રગ ડૉન બની ગયો હતો.
સલીમ દાઉદના ખાસ ડી-કંપનીના મહત્ત્વના સભ્ય છોટા શકીલ સાથે પણ સંબંધો ધરાવે છે. શરૂઆતમાં ગાંજાની સપ્લાય કરતા સલીમની મુલાકાત શકીલ સાથે થઈ હતી. પછી સલીમ અપરાધની દુનિયામાં એવો આગળ વધ્યો કે, પાછળ વળીને જાેયું નહીં.
શકીલે સલીમને મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગાંજાે સપ્લાય કરવાની જવાબદારી સોંપી હતી. પછી તેને મોટાપાયે ડ્રગ્સ તસ્કરીનું કામ સોંપાયું. ૧૯૯૩માં મુંબઈ બોંબ ધડાકા બાદ દાઉદ અને શકીલ દેશ છોડીને ફરાર થઈ ગયા હતા. પછી સલીમ ડોલા જ ભારતમાં તેઓનું ડ્રગ્સ નેટવર્ક સંભાળતો હતો.
સલીમે મુંબઈ, સૂરત સહિત દેશના અનેક રાજ્યોમાં પોતાનું નેટવર્ક વધાર્યું અને MD (મેફેડ્રોન) કારોબારથી અઢળક કમાણી કરી. તેની વર્ષ ૨૦૧૨માં સ્ડ્ઢ ડ્રગ્સ તસ્કરી મામલે ધરપકડ કરાયા બાદ પાંચ વર્ષ સુધી જેલમાં રહ્યો હતો. જાેકે જામીન પર છુટતા જ તેણે ફરી ગેરકાયદે કારોબાર શરૂ કરી દીધો હતો.
ત્યારપછી ૨૦૧૮માં મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી હતી. થોડા મહિનાઓ બાદ તેને જામીન મળતા તે દેશ છોડીને યુએઈ ભાગી ગયો હતો અને તેણે ત્યાંથી ડ્રગ્સ નેટવર્ક શરૂ કરી દીધું હતું. સલીમ ડોલા વિરુદ્ધ મુંબઈમાં ૧૦થી વધુ ડ્રગ્સ તસ્કરીના કેસ નોંધાયેલા છે. આમાં લગભગ ૨૫૦ કરોડ રૂપિયાના MD ડ્રગ્સનો મામલો પણ સામેલ છે.