નફાની લાલચમાં ગ્રાફિક ડિઝાઇનરે ગુમાવ્યા ૫૮ લાખ !!

Share this Article:

Last Updated on by Sampurna Samachar

છેતરપિંડીની શરૂઆત ગત જૂન ૨૦૨૫માં થઈ હતી

અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદમાં સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, વાત કરીએ તો ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષીય ગ્રાફિક ડિઝાઇનર ધર્મેશ મિસ્ત્રી સાયબર ગુનેગારોનો શિકાર બન્યા હતા. શેરબજારમાં રોકાણ કરીને રોજનું ઊંચું વળતર મેળવવાની લાલચમાં તેમણે પોતાની જિંદગીભરની આખી મૂડી ગુમાવી દીધી છે. શાતિર ઠગોએ પૂર્વ આયોજિત પ્લાનિંગ સાથે ઓનલાઈન ટ્રાન્સફર અને આંગડિયા પેઢી મારફતે કુલ ૫૭,૮૫,૫૦૦ રૂપિયા પડાવી લીધા હતા. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ છેતરપિંડીની શરૂઆત ગત જૂન ૨૦૨૫માં થઈ હતી. ધર્મેશભાઈના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ પ્રવિણ હોવાનું જણાવી ‘‘STOCK OPERATOR.IN’  કંપનીમાંથી બોલતો હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ અનિલ દુબે નામના અન્ય એક ઠગે ફોન કરીને જુદા-જુદા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સમજાવી લાલચ આપી હતી કે, જો તેઓ કંપનીના સ્પેશિયલ ફંડેડ એકાઉન્ટ પ્લાનમાં ૩૯,૯૯,૯૯૯ રૂપિયા રોકશે, તો તેમનું ૨,૦૦,૦૦,૦૦૦ રૂપિયાનું ફંડેડ એકાઉન્ટ ખુલશે. આ એકાઉન્ટ પર રોજનું ૫ ટકા વળતર મળશે અને નફાના ૭૦ ટકા કલાયન્ટને (ધર્મેશભાઈને) મળશે.

ઠગાઇ થઇ હોવાની ભાન આવતાં કરી અરજી

શરૂઆતમાં મોટી રકમ ન હોવાથી ઠગોએ માત્ર ૩,૫૪,૦૦૦ રૂપિયાથી ટ્રેડિંગ આઈડી શરૂ કરાવી, બાકીની રકમ ટુકડે-ટુકડે ભરવા દબાણ કર્યું હતું અને વિશ્વાસ જીતવા માટે નકલી એગ્રીમેન્ટ પણ મોકલ્યો હતો. આ જ સમયગાળા દરમિયાન ધર્મેશભાઈના પત્નીને કેન્સરની ગંભીર બીમારી ડિટેક્ટ થઈ હતી.

સારવાર માટે તાત્કાલિક મોટી રકમની જરૂર હોવાથી, તેઓ શેરબજારમાંથી મોટી કમાણીની આશાએ ઠગોની વાતોમાં આવી ગયા અને આંધળો વિશ્વાસ કરી બેઠા. ઠગોએ ટેકનિકલ એરરના બહાના હેઠળ બેન્ક ખાતા ઉપરાંત, મુંબઈ વાશી ખાતે આવેલી આંગડિયા પેઢીઓ મારફતે ભાવેશ નામના વ્યક્તિના મોબાઈલ નંબર પર અલગ-અલગ તારીખે કુલ ૪૯,૫૦,૦૦૦ રૂપિયા મંગાવી લીધા હતા. સાયબર ઠગોએ પોતાની નકલી વેબસાઈટ પર એક બોગસ ડેશબોર્ડ પણ બનાવ્યું હતું, જેમાં ધર્મેશભાઈનો નફો વધીને ૨,૪૯,૫૩,૯૩૦ રૂપિયા થઈ ગયો હોવાનું ડિજિટલ આંકડાઓમાં બતાવવામાં આવતું હતું.

નવેમ્બર ૨૦૨૫ના અંતમાં પત્નીની તબિયત વધુ બગડતાં હોસ્પિટલના ખર્ચ માટે ધર્મેશભાઈએ પોતાના રોકેલા રૂપિયા અને નફો વિડ્રો કરવા માટે વિરાજ અને અનિલ દુબે નામના ઠગો પર દબાણ કર્યું હતું. જોકે, પૈસા પાછા આપવાના બદલે ઠગોએ તેમના અન્ય સાગરીતો સૂરજ સિંઘ અને શોહેલને એડમિન ડિપાર્ટમેન્ટના નામે મેદાનમાં ઉતાર્યા હતા.

તેમણે ઓટીપી જનરેશન ફી પેટે UPI આઈડી પર ૬૦,૫૦૦ રૂપિયા અને ૩૦,૦૦૦ રૂપિયા તેમજ આંગડિયાથી બીજા ૪,૦૦,૦૦૦ રૂપિયા પડાવી લીધા હતા. આમ, ટુકડે-ટુકડે કુલ ૫૭,૮૫,૫૦૦ રૂપિયા ભરાવ્યા બાદ પણ ઠગોએ એક પણ રૂપિયો પાછો ન આપ્યો અને છેવટે પોતાના ફોન બંધ કરી દીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ ધર્મેશભાઈએ સાયબર ક્રાઈમમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસે આ ફેક વેબસાઈટ ચલાવનારા, વિવિધ નંબરો પરથી કોલ કરનારા અને આંગડિયા તેમજ બેન્ક ખાતા દ્વારા રૂપિયા મેળવનારા તમામ ઠગો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.