Last Updated on by Sampurna Samachar
આકરી ગરમીમાં લગભગ ૨ કલાક સુધી કારમાં બંધ રહી બાળકી
કારમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં એક તરફ આકરી ગરમી અને દાદાની બેદરકારીના કારણે એક ૪ વર્ષની માસૂમ બાળકીનું ભયાનક મૃત્યુ થતાં ચકચાર મચી છે. વાત કરીએ તો માસૂમ બાળકી દાદા સાથે ક્યાંક ફરવા ગઈ હતી, પરંતુ ઘરે પરત ફરતી વખતે બાળકી કારની પાછલી સીટ પર જઈને સૂઈ ગઈ હતી. ઘરે પરત ફર્યા બાદ દાદા કારની પાછલી સીટ પર સૂતેલી બાળકીને ઉઠાડીને ઘરમાં લઈ જવાનું ભૂલી ગયા હતા. જેના કારણે આકરી ગરમીમાં લગભગ ૨ કલાક સુધી કારમાં બંધ માસૂમ બાળકીનું મૃત્યુ થયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ દાદા સાબિર હુસેન, હજરા અને અન્ય બાળકોને કારમાં ફરવા લઈ ગયા હતા. લગભગ ૧ કલાક પછી દાદા બાળકોને લઈને ઘરે પર આવ્યા હતા, પણ તેઓ કારની પાછળની સીટ પર સૂતલી હજરાને ઉઠાડીને ઘરમાં લઈ જવાનું ભૂલી ગયા હતા. બપોરે આકરી ગરમીમાં કારને લોક કરીને દાદા ઘરમાં અંદર ચાલ્યા ગયા હતા. ૨ કલાક સુધી હજરા ઘરમાં કોઈને દેખાઈ નહીં, તો પરિવારજનો તેની શોધખોળ કરવા લાગ્યા હતા. અંતે, હજરા કારમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી. જેથી પરિવારજનો તાત્કાલિક તેને હોસ્પિટલ ખાતે લઈને પહોંચ્યા હતા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
ઉલ્લેખનીય છે કે કારની બારી સાવ બંધ હોવાના કારણે ભીષણ ગરમીની વચ્ચે બાળકીને ઓક્સિજન ન મળતા મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવ ઈન્દોરના નંદન વન કોલોનીનો છે. સ્થાનિક પોલીસે માસૂમ બાળકીના મોત બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.