Last Updated on by Sampurna Samachar
મહિલાઓ અને બાળકો સહિત ઘણા પ્રવાસીઓ ફસાયા હતા
ગોંડોલા સેવા ફરી શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ કાશ્મીરમાં ગોંડોલા કેબલ કાર સેવામાં ટેકનિકલ ખામી સર્જાતા અચાનક બંધ થતાં ઘટનાસ્થળે અંધાધૂંધી ફેલાઇ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટેકનિકલ સમસ્યાને કારણે ગોંડોલા સેવા તાત્કાલિક બંધ કરવી પડી હતી.

માહિતી મળતાં, સેનાની ૯ મી રાજ રાઇફલ્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને નાગરિક વહીવટીતંત્રની સંયુક્ત બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે તંગમાર્ગના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને તહસીલદાર પણ પહોંચ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન પ્રવાસીઓને બચાવવા અને બહાર કાઢવાનું કામ ઝડપી ગતિએ ચાલુ કર્યુ હતુ.
ગુલમર્ગ ગોંડોલા એશિયાની સૌથી ઊંચી કેબલ કાર
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગોંડોલા અચાનક બંધ થવાથી મહિલાઓ અને બાળકો સહિત ઘણા પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, વહીવટીતંત્રે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાહેર કરતાં જણાવ્યું હતું કે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને બચાવ કામગીરી સરળતાથી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, તકનીકી ટીમો સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.
તેઓ કેબલ કારમાં ખામી સર્જાવાના કારણની તપાસ કરી રહ્યા છે અને ગોંડોલા સેવા ફરી શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે સંપૂર્ણ સલામતી નિરીક્ષણ પછી જ સેવા ફરી શરૂ કરવામાં આવશે. ગુલમર્ગ ગોંડોલા એશિયાની સૌથી ઊંચી કેબલ કાર સેવા અને વિશ્વની મુખ્ય કેબલ કાર સેવાઓમાંની એક માનવામાં આવે છે, જ્યાં દર વર્ષે ભારત અને વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચે છે.