Last Updated on by Sampurna Samachar
કલોલ પોલીસની છત્રાલ GIDC ગોડાઉનમાં રેડ
રૂ.૧૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કલોલ તાલુકા પોલીસે છત્રાલ GIDC વિસ્તારમાંથી લાખોનો દારૂનો જથ્થો જપ્ત કરી સફળતા મેળવી છે. બૂટલેગરો દ્વારા GIDC ના એક ગોડાઉનને ભાડે રાખીને છુપાવવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. વાત કરીએ તો એરાઈશ એસ્ટેટમાં કરવામાં આવેલી આ રેડ દરમિયાન પોલીસે અંદાજે ૨,૬૪૦ બોટલ અંગ્રેજી દારૂ, એક કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૧૧.૫૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટનાસ્થળેથી રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

સુત્રોથી મળતી માહિતી મુજબ કલોલ તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, છત્રાલ GIDC ના એરાઇશ એસ્ટેટમાં આવેલ પ્લોટ નં. સી/૫૧ના ગોડાઉન માંગીલાલ બિશ્નોઈ નામના શખ્સે ભાડે રાખી તેમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખ્યો છે.
૪.૪૪ લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો
બાતમીના આધારે પોલીસે ગોડાઉનમાં ત્રાટકીને તપાસ કરતા પ્લાસ્ટિકના પીપ અને પીપ કાપવાના મશીનો જાેવા મળ્યા હતા. પ્લાસ્ટિકના પીપની પાછળ તપાસ કરતાં ખાખી રંગના પૂંઠાના બોક્સમાં વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની છુપાવી રાખેલી પેટીઓ ઝડપાઈ હતી. પોલીસે સ્થળ પરથી ચુનારામ ઉર્ફે સુનીલ પુખરાજ મેઘવાલને ઝડપી પાડ્યો હતો.
યુવકની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આ ગોડાઉન માંગીલાલ ઉર્ફે શ્યામસિંગ રામલાલ શાહુ બિશ્નોઈએ ભાડે રાખ્યું હતું. આ દારૂનો જથ્થો તેણે પોતાની બ્રેઝા ગાડીમાં લાવીને ગોડાઉનમાં ઉતાર્યો હતો. જોકે દરોડા દરમિયાન મુખ્ય સૂત્રધાર માંગીલાલ મળી આવ્યો નહોતો. જેના પગલે પોલીસે રૂ. ૪.૪૪ લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો, કાર, ત્રણ મોબાઈલ મળીને કુલ રૂ. ૧૧,૫૯,૭૦૮નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.