Last Updated on by Sampurna Samachar
પિતાએ અપહરણની શંકા વ્યક્ત કરી
રાત્રે ખાટલામાં સૂતી હતી સવારે જોવા ન મળી બાળકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના એક ગામમાંથી માસુમ બાળકી ગુમ થઇ જતા ચકચાર મચી જવા પામી છે. વાત કરીએ તો બાળકી પોતાના ઘરની બહાર ખાટલામાં શાંતિથી સૂતેલી જે બાળકી અચાનક રહસ્યમય રીતે ગુમ થઈ જતાં પરિવાર સહિત સમગ્ર પંથકમાં ચિંતા વ્યાપી ગઈ છે. બાળકીના ગુમ થવાના સમાચારને પગલે સ્થાનીય ગ્રામજનો અને પોલીસ કાફલો તેને શોધવા માટે કાર્યરત બન્યા છે.

મળતી માહિતી મુજબ, ગુમ થયેલી બાળકીના પરિવારની જણાવ્યા પ્રમાણે છેલ્લે રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યે ઘરની બહાર ખાટલામાં સૂતેલી જોવા મળી હતી. જોકે, વહેલી સવારે ૩ વાગ્યાની આસપાસ જ્યારે પરિવારની આંખ ખૂલી ત્યારે માસૂમ દિવ્યા ખાટલામાં ન હોવાનું માલૂમ પડ્યું હતું. બાળકીને આસપાસ ન જોતાં પરિવારોના જીવ તાળવે ચોંટ્યા હતા. તુરંત જ પરિવાર અને ગ્રામજનો દ્વારા ગામ, ફળિયા અને આજુબાજુના સીમ-ખેતરોમાં વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળકીનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
શિનોર પોલીસે તપાસ શરૂ કરી
બાળકીના પિતાએ આ મામલે ભારે આશંકા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, કોઈ અજાણ્યો શખ્સ તેમની માસૂમ દીકરીને કોઈ લોભ-લાલચ આપીને ઉઠાવી ગયો હોઈ શકે છે. આ ઘટના અંગે શિનોર પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે અલગ-અલગ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.