Last Updated on by Sampurna Samachar
કરોડો રૂપિયાનો ભંગાર અને કેમિકલનો માલ બળીને ખાખ
આગે મિનિટોની અંદર જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું
(સંપૂર્ણ સમાચાર સેવા)
વાપીના કરવડ ગામની સીમમાં મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાતા સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કરવડ ગામમાં વર્ષોથી ધમધમતા ભંગારના મોટા ગોડાઉનો પૈકીના એક ગોડાઉનમાં અગમ્ય કારણોસર આકસ્મિક આગ ફાટી નીકળી હતી.

શરૂઆતમાં સામાન્ય લાગતી આ આગે મિનિટોની અંદર જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, કારણ કે ગોડાઉનમાં પ્લાસ્ટિકના ભંગાર સાથે ઉદ્યોગોમાંથી નીકળતું જોખમી કેમિકલ વેસ્ટ મટીરીયલ ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરવામાં આવ્યું હતું.
આગની ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નહીં
આગ એટલી પ્રચંડ સ્પીડથી ફેલાઈ કે તેણે આજુબાજુમાં આવેલા અન્ય ચાર ગોડાઉનોને પણ પોતાની લપેટમાં લઈ લીધા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગોડાઉનની અંદર રાખવામાં આવેલા કેમિકલના ડ્રમો એક પછી એક બ્લાસ્ટ થવા લાગ્યા હતા, જેના કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હતી.
ધુમાડાના કારણે આસપાસના સોસાયટી અને વાડી વિસ્તારના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓ સુરક્ષિત સ્થળે ભાગ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમોએ તુરંત એક્શનમાં આવીને શરૂઆતમાં ૪ વોટર બ્રાઉઝર અને ફાયર ફાઇટરોને ઘટનાસ્થળે રવાના કર્યા હતા. કેમિકલની આગ હોવાથી પાણીની સાથે સ્પેશિયલ કેમિકલ ફોર્મનો મારો ચલાવવામાં આવ્યો.
વલસાડ જિલ્લા પોલીસનો કાફલો પણ કરવડ ગામે પહોંચી ગયો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કરોડો રૂપિયાનો ભંગાર અને કેમિકલનો માલ બળીને ખાખ થઈ ગયો છે.