Last Updated on by Sampurna Samachar
પિઝા શોપથી શરૂ થયો હતો વિવાદ
લોખંડની પાઇપ અને લાકડીઓ વડે કર્યો હતો હુમલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા શહેરના નાગલપુર વિસ્તારમાં યુવતી સાથેની મિત્રતાને લઈને એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. પિઝા શોપમાં પોતાની બહેન અને મહિલા મિત્ર સાથે બેઠેલા યુવકને મહિલા મિત્રના ભાઈ સહિત છ શખ્સોએ પહેલા જાહેરમાં ધમકાવ્યો અને બાદમાં બે અલગ-અલગ સ્થળોએ લોખંડની પાઇપ અને લાકડીઓ વડે હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. સમગ્ર મામલે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ફરિયાદ મુજબ, કડી તાલુકાના ખેરપુર ગામના રહેવાસી અને હાલ અમદાવાદમાં ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા ૨૮ વર્ષીય ચિરાગ રબારી પોતાની બહેન રોશની સાથે મિત્રની બલેનો કાર લઈને મહેસાણા દવા લેવા આવ્યા હતા. બપોરે તેઓ રાધનપુર રોડ પર આવેલી એક પિઝા શોપમાં નાસ્તો કરી રહ્યા હતા ત્યારે તેમની મહિલા મિત્ર આયુષી અને તેની બહેનપણી પણ ત્યાં આવી હતી. ચારેય જણા વાતચીત કરી રહ્યા હતા ત્યારે અચાનક આયુષીનો ભાઈ પોતાના સાગરીતો સાથે ત્યાં પહોંચ્યો હતો.
મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ
આરોપીએ ચિરાગને જાહેરમાં ગાળો આપી પૂછપરછ કરી અને ધમકી આપીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ સમાધાન કરવાના બહાને ચિરાગને નાગલપુરના ખુલ્લા મેદાનમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં પહોંચતા જ તમામ આરોપીઓએ લોખંડની પાઇપ અને લાકડીઓ વડે તેના પર આડેધડ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા ચિરાગને તેના સંબંધીઓ બચાવી ઘરે લઈ ગયા હતા.
ફરિયાદમાં વધુ આક્ષેપ કરવામાં આવ્યો છે કે તે જ રાત્રે આશરે ૮ વાગ્યે આરોપીઓ ફરીથી ચિરાગના સંબંધીઓના ઘરે પહોંચી ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરી હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ મિત્રની બલેનો કારમાં તોડફોડ કરી અને કારમાં રહેલી અંદાજે રૂ. ૧ લાખની રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
ઘટનાની જાણ થતાં મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસે આરોપીઓ સામે હત્યાના પ્રયાસ, મારામારી, ધમકી, તોડફોડ અને લૂંટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. શહેરમાં બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.