Last Updated on by Sampurna Samachar
પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
પૈસા ચૂકવ્યા બાદ પણ માંગણી કરતો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગરના જામજોધપુર શહેરમાં રૂ. ૧૦ હજારની લેતીદેતીના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યુ હતું. વાત કરીએ તો ગેરેજ સંચાલક પર પાઇપ, લાકડી અને છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રિયાઝ ઉર્ફે રીઝવાન હુસેનભાઈ બ્લોચને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, રિયાઝ ઉર્ફે રીઝવાને આશરે છથી સાત મહિના પહેલાં પુષ્પરાજસિંહ પાસેથી રૂ. ૧૦ હજાર ઉધાર લીધા હતા. ફરિયાદીનો આક્ષેપ છે કે તેમણે આ રકમ સમયસર પરત ચૂકવી દીધી હોવા છતાં પુષ્પરાજસિંહ સતત ફરીથી પૈસાની માંગણી કરતો હતો અને છેલ્લા કેટલાક દિવસોથી ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી રહ્યો હતો.
ત્રણેય આરોપીઓએ મળીને કર્યો હુમલો
ઘટનાના દિવસે રાત્રિના સમયે રિયાઝ સ્નૂકર સેન્ટરમાંથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન જામજોધપુરની રજવાડી હોટલ નજીક પુષ્પરાજસિંહ અને સત્યજીતસિંહે તેમનો રસ્તો રોકી ફરી પૈસાની માંગણી કરી હતી. બંને વચ્ચે બોલાચાલી થતાં પાર્થરાજસિંહ ઉર્ફે લાલો પણ લાકડી સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ મળીને લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો શરૂ કર્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ હુમલા દરમિયાન પુષ્પરાજસિંહે છરી વડે ઘા મારવાનો પ્રયાસ કર્યો હતો. પોતાનો બચાવ કરવા માટે ફરિયાદીએ હાથ આગળ કરતાં ડાબા હાથની વચલી આંગળીમાં ગંભીર ઇજા પહોંચી હતી. ઉપરાંત માથા, છાતી અને પગ સહિત શરીરના અન્ય ભાગોમાં પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી.
હુમલાખોરો “મારી નાખો, મારી નાખો” કહી બૂમો પાડી રહ્યા હોવાથી ગભરાયેલા રિયાઝ નજીક આવેલી એક હોટલના રસોડામાં ઘૂસી ગયા હતા અને અંદરથી દરવાજાે બંધ કરી પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ તેમના ભાઈ તોફીક ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
ડોક્ટરોના જણાવ્યા મુજબ ઇજાગ્રસ્તને માથામાં પાંચ ટાંકા તથા હાથની આંગળીમાં આઠ ટાંકા આવ્યા છે, જ્યારે શરીરના અન્ય ભાગોમાં પણ ગંભીર મુઢ ઇજાઓ પહોંચી છે. જામજાેધપુર પોલીસે ફરિયાદના આધારે પુષ્પરાજસિંહ, સત્યજીતસિંહ અને પાર્થરાજસિંહ ઉર્ફે લાલો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી હુમલાના કારણો અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી છે.