Last Updated on by Sampurna Samachar
આકરા પાણીએ જોવા મળ્યા અન્નદાતા
સરકાર ક્યારે જાગે છે તે જોવાનું રહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સરકાર દાવો કરે છે કે નર્મદાનું પાણી સરહદી જિલ્લાઓ સુધી પહોંચાડ્યું છે, વાત સાચી પણ છે, નર્મદાનું નહેર નેટવર્ક કચ્છ અને બનાસકાંઠા સુધી ફેલાયેલું છે. પરંતુ હાલ બનાસકાંઠામાં ખેડૂતોએ નહેરમાં પાણી છોડવાની માંગ સાથે વિરોધ શરૂ કર્યો છે. સુક્કીભઠ્ઠ કેનાલમાં હવન થઈ રહ્યો છે. હવનમાં આહૂતિ અપાઈ રહી છે.
માં નર્મદાનું પાણી આ કેનાલમાં આવે તે માટે પ્રાર્થના થઈ રહી છે. તો માઈનોર કેનાલમાં પણ ખેડૂતો ઉતર્યા છે અને તંત્ર સામે સુત્રોચ્ચાર કરી રહ્યા છે. તો વધુ એક દ્રશ્યોમાં આકરા પાણીએ અન્નદાતા જોવા મળી રહ્યો છે. આ ખેડૂતો પણ માંગ પાણીની કરી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખેડૂતોના ખેતરો સુકાઈ રહ્યા છે, પાક બળી રહ્યો છે, અન્નદાતા પાણી ઝંખી રહ્યો છે પણ પાણી ન મળતાં હવે ખેડૂતોએ તંત્ર સામે બાંયો ચડાવી છે.
પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જોડાયા
સિંચાઈનું પાણી છોડવાની માંગ લાંબા સમયથી ખેડૂતો કરી રહ્યા છે, પરંતુ તંત્ર કેનાલમાં પાણી છોડતું નથી અને તેના જ કારણે હવે ખેડૂતોએ સુક્કી કેનાલમાં હવન કરીને તંત્ર સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો. ખેડૂતોએ કેનાલની અંદર જ હવનનું આયોજન કર્યું. હવનમાં આહૂતિ પણ આપી. ખેડૂતો સાથે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ જોડાયા હતા.
કાંકરેજથી પસાર થતી રાધનપુર ડિસ્ટ્રીક્ટ કેનાલમાં પાણીનું ટીપ્પુ પણ નથી. તેના જ કારણે આ સુક્કી કેનાલમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. કાંકરેજ તાલુકાના અનેક ગામના ખેડૂતો આ વિરોધમાં જોડાયા. ઉનાળામાં કેનાલો કોરી ધાકોર રહેવાથી અન્નદાતા મુશ્કેલીમાં મુકાયા છે.
અનેક અરજીઓ અને અનેક રજૂઆતો કરીને થાકેલા ખેડૂતોએ હવે તંત્ર સામે બાંયો ચડાવી દીધી છે. ખેડૂતો પાણી આપો પાણી આપોનો સુત્રોચ્ચાર કરી રહ્યા છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ ઢોલ અને નગારા સાથે સુત્રોચ્ચાર કર્યો અને પ્રાંત અધિકારીની આવેદનપત્ર આપ્યું છે. સુજલામ સુફલામ કેનાલમાં ચાંગા પંપ સ્ટેશનનું પાણી ચાલુ કરવાની માંગણી કરી છે.
ચાંગા પંપ સ્ટેશનથી પાણી બંધ કરતાં હાલ ઉનાળુ બાજરી સહિતનો અનેક તૈયાર પાક સુકાવા લાગ્યો છે. પરંતુ અધિકારીઓને કંઈ પડી જ ન હોય તેમ તેઓ માનવા તૈયાર નથી તો ખેડૂતોએ આંદોલનનું હથિયાર ઉગામ્યું. હવે એ જોવાનું રહેશે કે ખેડૂતોના આ અલગ અલગ વિરોધ બાદ સરકાર ક્યારે જાગે છે તે જોવાનું રહ્યું.