Last Updated on by Sampurna Samachar
લાલપુરમાં ખેડૂતના અપહરણનો મામલો
ઇજાગ્રસ્ત ખેડૂત જામનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગરના લાલપુર તાલુકાના આરીખાણા ગામના ખેડૂત હરેશભાઈ સોજીત્રાનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. ગેરકાયદે રેતી ખનનની બાતમી આપ્યાનો આરોપ મૂકી બળદેવસિંહ સહિત ૪ શખ્સોએ તેમને ફોરવ્હીલમાં ઉપાડી જઈ, ઝાડ સાથે બાંધી લોખંડના પાઈપથી માર માર્યો હતો. ૩ લાખના દંડની ભરપાઈ કરવાની ધમકી પણ આપી હતી. હાલ ઇજાગ્રસ્ત ખેડૂત જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લાલપુર તાલુકાના આરીખાણા ગામના ખેડૂત હરેશભાઈ નારણભાઈ સોજીત્રાએ ચાર શખ્સો સામે અપહરણ, મારપીટ, ખંડણીની માંગ અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે. હાલ ઇજાગ્રસ્ત ખેડૂત જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ
ફરિયાદ મુજબ, તા.૪ જુલાઈના રોજ બપોરે ગામના કિશનભાઈ ભાણજીભાઈ વૈષ્ણવનો ફોન આવતા તેઓને તેમની વાડીએ બોલાવવામાં આવ્યા હતા. ત્યાં મેમાણા ગામના બળદેવસિંહ, ઋતુભા અને સુખુભા હાજર હતા. ફરિયાદીનો આક્ષેપ છે કે બળદેવસિંહે ગેરકાયદે રેતી ખનન અંગે ખાણ-ખનીજ વિભાગને બાતમી આપવાનો આરોપ મૂકી તેમનો મોબાઇલ તપાસ્યો હતો. ત્યારબાદ બળજબરીપૂર્વક કાળી રંગની ફોરવ્હીલ ગાડીમાં બેસાડી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.
આરોપ મુજબ, ફરિયાદીને અન્ય એક વાડીમાં લઈ જઈ ઝાડ સાથે ઊંધા બાંધી દેવામાં આવ્યા હતા અને જ્યાં સુધી બાતમી આપ્યાની કબૂલાત ન કરે ત્યાં સુધી માર મારવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ લોખંડના પાઈપ વડે શરીરના વિવિધ ભાગોમાં માર મારવામાં આવ્યો હતો.
દરમિયાન બળદેવસિંહનો દીકરો પણ આવી પહોંચ્યો હતો અને તેણે પણ પાઈપ વડે હુમલો કર્યો હોવાનું પફરિયાદમાં જણાવાયું છે.ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓએ ખાણ-ખનીજ વિભાગ દ્વારા થયેલા આશરે ત્રણ લાખ રૂપિયાના દંડની રકમ ચૂકવવાની માંગ કરી હતી અને ફરિયાદ કરશે અથવા સારવાર લેવા જશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ફરિયાદીને અને તેમની સાથે રહેલા કિશનભાઈને પરત મૂકી દેવામાં આવ્યા હતા.
ઘરે પહોંચ્યા બાદ શરીરમાં અસહ્ય પીડા થતાં બીજા દિવસે સગા-સંબંધીઓ તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા. તબીબી સારવાર દરમિયાન તેમણે પોલીસને સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીનું કહેવું છે કે મેમાણા ગામના બળદેવસિંહ ગેરકાયદેસર રીતે નદીમાંથી રેતીનું ખનન કરતા હતા અને તે અંગે કાર્યવાહી થતાં મોટો દંડ ફટકારાયો હતો. તે મનદુ:ખ રાખીને પોતાના સાગરિતો સાથે મળીને અપહરણ કરી મારપીટ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
પોલીસે ફરિયાદના આધારે ચારેય આરોપીઓ સામે અપહરણ, ગંભીર મારપીટ, ધાકધમકી સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.