Last Updated on by Sampurna Samachar
પોલીસે ઘાયલ આરોપીને હોસ્પિટલમાં કર્યો દાખલ
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદનો કિસ્સો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સૂર્યા હત્યાકાંડ બાદ હવે લોનીમાં સગીર બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે પગમાં ગોળી ધરબી દીધી છે. એન્કાઉન્ટર બાદ પોલીસે આરોપી સિરાજની ધરપકડ કરી લીધી છે. એન્કાઉન્ટરમાં આરોપીના જમણા પગમાં ગોળી વાગી છે. પોલીસે ઘાયલ આરોપીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. પોલીસે આરોપીના કબજામાંથી એક પિસ્તોલ, કારતૂસ અને એક સ્કૂટી રિકવર કરી છે.

લોની બોર્ડર પોલીસ સ્ટેશન વિસ્તારની કોલોનીમાં એક મહિલા રહે છે. તેમણે ૩૦ મેના રોજ પોલીસને આપોલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ત્રણ મહિના પહેલા પડોશમાં રહેતા બીજા ધર્મના સિરાજ નામના યુવકે મારી ૧૩ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી
એવો આરોપ છે કે, આરોપી સિરાજે બાળકીને ધમકી આપી હતી કે, આ ઘટના વિશે કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશ. મહિલાએ જણાવ્યું કે, જ્યારે દીકરીની તબિયત લથડી અને હું તેને ડૉક્ટર પાસે લઈ ગઈ ત્યારે ખબર પડી કે તેની સાથે કંઈક ખોટું થયું છે. ઘરે આવીને જ્યારે દીકરીને પૂછ્યું ત્યારે તેણે તમામ હકીકત જણાવી. ત્યારબાદ મહિલાએ પોલીસને આ મામલે ફરીયાદ કરી.
આ ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય નંદકિશોર ગુર્જર પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. ધારાસભ્યએ પીડિત પરિવારને તમામ શક્ય મદદ અને આરોપી સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ઇન્ચાર્જ સહાયક પોલીસ કમિશનર અંકુર વિહાર સિદ્ધાર્થ ગૌતમે જણાવ્યું કે, પીડિત પરિવારની ફરિયાદ પર પોલીસે કેસ નોંધીને આરોપીની શોધ શરૂ કરી દીધી છે. માહિતી મળતાં જ પોલીસે ટીમ સેવાધામ ટીલા મોડ રોડ પર વાહનોની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ટીમે સ્કૂટી પર આવતા એક યુવકને રોકાવાનો ઈશારો કર્યો હતો.
યુવક સ્કૂટી ફેરવીને ગ્રાઉન્ડ તરફ ભાગવા લાગ્યો. ભાગતી વખતે સંતુલન ગુમાવતા સ્કૂટી પડી ગઈ. પોલીસને પોતાની તરફ આવતા જોઈને યુવકે પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું. પોલીસે કરેલી જવાબી કાર્યવાહીમાં યુવકને જમણા પગમાં ગોળી વાગી. પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ, કારતૂસ અને સ્કૂટી રિકવર કરી. પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ સિરાજ અને લોની બોર્ડર પોલીસ સ્ટેશનના અમિત વિહારનો રહેવાસી હોવાનું જણાવ્યું.
તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી. સહાયક પોલીસ કમિશનરે જણાવ્યું કે, આરોપીની સામે પોક્સો એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ઘાયલ આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે.