Last Updated on by Sampurna Samachar
ESIC હોસ્પિટલમાંથી ૨૦ જેટલા સફાઈ કર્મચારીઓને છુટા કર્યા
કોઇ આગોતરી નોટિસ આપવામાં આવી નહતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતની જાણીતી ESIC હોસ્પિટલમાંથી ચોથા વર્ગના કર્મચારીઓને લઈને એક વિવાદાસ્પદ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા ૨૦ જેટલા સફાઈ કર્મચારીઓને કોઈ પણ આગોતરી નોટિસ આપ્યા વિના રાતોરાત નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જ્યાં રોષે ભરાયેલા કર્મચારીઓ હોસ્પિટલના મુખ્ય ગેટ પર ધરણા પર બેસી ગયા હતા.

નોકરીમાંથી મુક્ત કરાયેલા સફાઈ કર્મચારીઓનો દાવો છે કે, તેઓ છેલ્લા ૯ વર્ષથી આ હોસ્પિટલમાં વફાદારીપૂર્વક પોતાની સેવાઓ આપી રહ્યા છે. કોરોના કાળ જેવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાની જાનના જોખમે હોસ્પિટલને સ્વચ્છ રાખવાનું કામ કરનારા આ ગરીબ શ્રમિકોને અચાનક બહારનો રસ્તો બતાવી દેવાયો છે. વગર વાંકે નોકરી ગુમાવવાનો વારો આવતા આ કર્મચારીઓ અને તેમના પરિવારો પર આર્થિક સંકટ આવી પડ્યું છે.
ફરીથી કામ પર પાછા લેવામાં આવે તેવી માંગ
મળતી માહિતી મુજબ, હોસ્પિટલમાં સફાઈ એજન્સીનો નવો કોન્ટ્રાક્ટ મંજૂર થતાની સાથે જ આ વહીવટી ફેરફાર અને છટણીનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેવી નવી એજન્સી આવી કે તરત જ જૂના અને અનુભવી કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે. હાલ આ તમામ ૨૦ કર્મચારીઓ પોતાની માંગણીઓ સાથે હોસ્પિટલના દરવાજે વિરોધ પ્રદર્શન કરી એક જ માંગ છે કે, તંત્ર માનવતાવાદી અભિગમ અપનાવે અને તેમને તાત્કાલિક અસરથી ફરીથી કામ પર પાછા લેવામાં આવે.