Last Updated on by Sampurna Samachar
૨૧ ઓગસ્ટ સુધી ઉમેદવારી, ૯ સપ્ટેમ્બરે મતદાન
૯ મી સપ્ટેમ્બરે જ પરિણામ પણ જાહેર કરાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચૂંટણી પંચે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ૨૧ મી ઓગસ્ટ સુધી ઉમેદવારી ફૉર્મ સ્વીકારવામાં આવશે અને જો જરૂર પડી તો ૯ સપ્ટેમ્બરે મતદાન થશે. મતદાનનો સમય સવારે ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધીનો રહેશે. ૯ મી સપ્ટેમ્બરે જ પરિણામ પણ જાહેર કરાશે.

૨૧ જુલાઈના રોજ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ દેશના બીજુ સર્વોચ્ચ બંધારણીય પદ ખાલી થયુ હતું. ચૂંટણી પંચ દ્વારા જાહેર નોટિફિકેશન અનુસાર, સાત ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ચૂંટણી પંચ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરશે. જેમાં ૨૧ ઓગસ્ટ સુધી ઉમેદવારી નોંધાવાની રહેશે. ત્યારબાદ ૨૨ ઓગસ્ટે ઉમેદવારીમાં ફેરફાર થઈ શકશે. ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ ૨૫ ઓગસ્ટ નિર્ધારિત કરવામાં આવી છે. ૯ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦થી સાંજે પાંચ વાગ્યા સુધી ચૂંટણી યોજાશે. અને પરિણામ પણ ચૂંટણી પૂર્ણ થયા બાદ તુરંત જાહેર કરવામાં આવશે.
ચાલુ કાર્યકાળમાં રાજીનામુ આપનારા ધનખડ ત્રીજા ઉપરાષ્ટ્રપતિ
જગદીપ ધનખડે સ્વાસ્થ્યનું કારણ જણાવી ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું. જોકે, તેમનો આ ર્નિણય ચોંકાવનારો હતો. કારણ કે, તેઓ પોતાના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક વિપક્ષી પાર્ટીઓ સાથે વિવાદના કારણે ચર્ચામાં રહ્યા હતા. ચાલુ કાર્યકાળ દરમિયાન રાજીનામું આપનારા ધનખડ ત્રીજા ઉપરાષ્ટ્રપતિ છે. આ પહેલાં ફક્ત વી. પી ગીરી અને આર. વેંકટરમણે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધુ હતું.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ
ચૂંટણી પંચે ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું – ૦૭ ઓગસ્ટ, ૨૦૨૫ (ગુરુવાર)
નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ – ૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ (ગુરુવાર)
નોમિનેશન ચકાસણીની તારીખ – ૨૨ ઓગસ્ટ, ૨૦૨૫ (શુક્રવાર)
નોમિનેશન પાછા ખેંચવાની છેલ્લી તારીખ – ૨૫ ઓગસ્ટ, ૨૦૨૫ (સોમવાર)
જાે જરૂરી હોય તો, કયા દિવસે મતદાન યોજાશે – ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ (મંગળવાર)
મતદાનનો સમય – સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૫.૦૦ વાગ્યા સુધી.
જો જરૂરી હોય તો, કયા દિવસે મત ગણતરી યોજાશે તે તારીખ – ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ (મંગળવાર)
ભારતના બંધારણના અનુચ્છેદ ૬૬ મુજબ, ઉપરાષ્ટ્રપતિની પસંદગી એકલ ટ્રાન્સફરેબલ વોટ પદ્ધતિ દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વની પ્રણાલી અનુસાર સંસદના બંને ગૃહોના સભ્યો ધરાવતી ચૂંટણી મંડળ દ્વારા કરવામાં આવે છે. ૧૭મી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી, ૨૦૨૫ માટે ચૂંટણી મંડળમાં નીચેનાનો સમાવેશ થાય છે:
(I) રાજ્યસભાના ૨૩૩ ચૂંટાયેલા સભ્યો (હાલમાં ૦૫ બેઠકો ખાલી છે)
(II) રાજ્યસભાના ૧૨ નામાંકિત સભ્યો, અને
(III) લોકસભાના ૫૪૩ ચૂંટાયેલા સભ્યો (હાલમાં ૦૧ બેઠક ખાલી છે)
મતદાન મંડળમાં સંસદના બંને ગૃહોના કુલ ૭૮૮ સભ્યો (હાલમાં ૭૮૨ સભ્યો) હોય છે. બધા મતદાતાઓ સંસદના બંને ગૃહોના સભ્ય હોવાથી, સંસદના દરેક સભ્યના મતનું મૂલ્ય સમાન હશે એટલે કે ૧ (એક).