Last Updated on by Sampurna Samachar
પત્નીના નાના પર છરીના ઘા ઝિંકી મોતને ઘાટ ઉતાર્યા
પત્ની સાથેના અણબનાવની અદાવતમાં ખૂને ખેલ ખેલ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટના વિમલનગર વિસ્તારમાં કૌટુંબિક કકળાટનો અંત હત્યા આવ્યો છે. માહિતી મુજબ પત્ની સાથેના ઘરકંકાસની અદાવતમાં એક સાસરી પક્ષના યુવકે ઉશ્કેરાઈ જઈને પત્નીના સગા નાનાની ર્નિમમ હત્યા કરી નાખી છે, જ્યારે આ હુમલામાં વચ્ચે બચાવવા પડેલા નાની પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ વેરાવળનો રહેવાસી વિવેક ગોસ્વામી નામનો યુવક મોડી રાત્રે વિમલનગરમાં આવેલી તેની પત્નીની મોસાળના ઘરે ધસી આવ્યો હતો. ત્યાં તેણે ઉગ્ર બોલાચાલી કરીને પત્નીના નાના પ્રવિણભાઇ શાહ પર છરી વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા.
અગાઉ પીડિત પરિવારે પોલીસમાં રક્ષણ માટે આપી હતી અરજી
હુમલો એટલો ભયાનક હતો કે પ્રવિણભાઇનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ દરમિયાન પ્રવીણભાઈના પત્ની તેમને બચાવવા વચ્ચે પડતાં આરોપીએ તેમના પર પણ હુમલો કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી વિવેક ગોસ્વામી અને તેની પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ભારે અણબનાવ ચાલી રહ્યો હતો, જેના કારણે પત્ની તેનાથી અલગ રહેતી હતી. પત્નીએ વિવેક સાથે પાછા જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ વાતનો ખાર રાખીને આરોપી અવારનવાર પત્ની અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધાક-ધમકીઓ આપતો હતો.
આ મામલે અગાઉ પીડિત પરિવાર દ્વારા રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં રક્ષણ મેળવવા માટે લેખિત અરજી પણ કરવામાં આવી હતી. જોકે, પોલીસ કોઈ નક્કર પગલાં ભરે તે પહેલાં જ નરાધમ પતિએ આ ખૂની ખેલ ખેલી નાખ્યો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.