Last Updated on by Sampurna Samachar
ચાલુ નાણાકીય વર્ષમાં ૫૦૦ ચાર્જશીટ દાખલ કરવા માટેનો લક્ષ્યાંક
દિલ્હીની બહાર દર ત્રણ મહિને બેઠકનુ આયોજન
(સંપૂર્ણ સમાચાર સેવા)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મની લોન્ડરિંગ કેસનાં ઝડપી નિકાલ માટે એક મહત્ત્વપૂર્ણ ર્નિણય લીધો છે. એજન્સીએ વર્તમાન નાણાકીય વર્ષમાં ૫૦૦ ચાર્જશીટ દાખલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઇડીએ તપાસ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે કેસ દાખલ કરવામાં આવ્યા પછી તપાસને એક કે બે વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવે. જોકે કેટલાક જટિલ કેસોને આમાંથી મુક્તિ મળી શકે છે.

આ ર્નિણય ગયા વર્ષે ૧૯ થી ૨૧ ડિસેમ્બરની વચ્ચે આસામનાં ગુવાહાટીમાં થયેલ ઝોનલ અધિકારીઓની ૩૪મી ત્રિમાસિક બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકની અધ્યક્ષતા ઇડી ડાયરેક્ટર રાહુલ નવીને કરી હતી.
નવી તપાસને સમયસર પૂર્ણ કરવા માટે આ લક્ષ્ય જરૂરી
એજન્સી હવે દિલ્હીની બહાર દર ત્રણ મહિને આવી બેઠકનું આયોજન કરી રહી છે. આ અગાઉ ગુજરાતનાં કેવડિયા અને જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં બેઠક થઇ હતી. ગુવાહાટીમાં બેઠકનું આયોજન કરવું પૂર્વોત્તર ક્ષેત્રની વ્યૂહાત્મક અને પરિચાલન મહત્ત્વને દર્શાવે છે. આ બેઠક વર્તમાન નાણાકીય વર્ષ સમાપ્ત થવાની પહેલા અંતિમ સમીક્ષા બેઠક હતી.
બેઠકમાં અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું કે જુના વિલંબિત કેસોને પૂર્ણ કરવા અને નવી તપાસને સમયસર પૂર્ણ કરવા માટે આ લક્ષ્ય જરૂરી છે. તેમને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તપાસને તાર્કિક નિષ્કર્ષ સુધી પહેંચાડવામાં આવે. ટાંચમાં લેવા અને દંડની પ્રક્રિયા કાયદાકીય રીતે મજબૂત હોય.
પીએમએલએ કાયદા હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ સાવચેતી, નિષ્પક્ષતા અને જવાબદારી સાથે કરવા, સમન્સ અને કાયદાકીય નોટીસ ફક્ત સ્પષ્ટ જરૂરિયાત અને યોગ્ય આધારે જ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ બેઠકમાં ડિજિટલ એરેસ્ટ, સાયબર ફ્રોડ, ગેરકાયદે સટ્ટાબાજી, ઓનલાઇન ગેમિંગ અને શેરબજારમાં હેરાફેરી જેવા કેસો પર વિશેષ ધ્યાન આપવા જણાવવામાં આવ્યું છે.