Last Updated on by Sampurna Samachar
યુવકે નશાની હાલતમાં કાર પુરઝડપે હંકારી અન્ય વાહનોને અડફેટે લીધા
પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ફરી એકવાર નબીરાએ અકસ્માત સર્જયો છે. મળતા અહેવાલ પ્રમાણે નશામાં ધૂત કાર ચાલકે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ પાસે અંદાજીત રાત્રે ૯ વાગ્યે પૂરઝડપે કાર ચલાવી રોડ પર પાર્ક કરેલા વાહનોને ટક્કર મારી હતી. ત્યારબાદ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને કાર પાસે પહોંચ્યું હતું. જેથી કારચાલક છરો લઈને બહાર નીકળતા રોષે ભરાયેલા લોકોએ તેની ધોલાઈ કરી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
અમદાવાદમાં વાહનચાલકો બેફામ બની રહ્યા છે. મોટાભાગના અકસ્માતોમાં નશો કરી વાહન ચલાવવામાં આવતા હોવાના કારણે દુર્ઘટના બનતી હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. વસ્ત્રાપુરના હિમાલય મોલ પાસે નશામાં ચૂર કારચાલકે અકસ્માત સર્જી સ્થાનિકો સાથી ગુંડાગર્દી કરી હતી.
આસપાસના લોકોએ યુવકને મેથીપાક ચખાડ્યો
પોલીસની હાજરીમાં હાથમાં પથ્થર લઈ દાદાગીરી કરતો જોવા મળ્યો હતો. નશામાં ધૂત યુવાને કારમાંથી તીક્ષ્ણ હથિયાર કાઢીને લોકોને ડરાવ્યા હતા. કારમાંથી યુવાન બહાર આવ્યો હતો. લોકોએ તેને ધક્કે ચઢાવ્યો અને મેથીપાક પણ ચખાડ્યો હતો. સમગ્ર મમાલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
હિમાલયા મોલ પાસેથી પૂરઝડપે પસાર થઈ રહેલી થારના ચાલકે ટુ-વ્હીલર અને બાદમાં ૩ કારને ટક્કર મારી હતી. તેમ છતાં થારચાલકે કાર રોકી ન હતી. પરંતુ થોડે જ આગળ એક કાર સાથે થાર અથડાતા તે રોકાઈ ગઈ હતી. રાહદારીઓ ઘટના સ્થળે ભેગા થઈ ગયાં હતા. ત્યારબાદ થારમાંથી છરા સાથે ઊતરી યુવક લોકોને મારવા દોડ્યો હતો.
આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ થારચાલકને રસ્તામાં દોડાવી-દોડાવીને લાફા અને લાતોથી ફટકાર્યો હતો. બાદમાં કારચાલક યુવકે હાથમાં પથ્થર લેતા લોકો દૂર જતાં રહ્યા હતા. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.
બાદમાં ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને પકડી લીધો હતો. પોલીસે આ સંદર્ભે થારચાલક સામે બે અલગ-અલગ ગુના નોંધ્યા છે. જેમાં દારૂ પીને ડ્રાઈવિંગ કરવું તેમજ પબ્લિક સાથે મારામારી કરવાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માત તેમજ દારૂ પીને યુવકે કરેલા હુમલામાં ૮ જેટલા માણસોને સામાન્ય ઈજા થઈ હતી.