Last Updated on by Sampurna Samachar
જોતજોતામાં આખું ટેન્કર આગની લપેટમાં આવી ગયું હતું
દૂર-દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજુલા તાલુકામાંથી પસાર થતા અમરેલી-ભાવનગર હાઇવે પર ભયાનક આગની ઘટના સામે આવી હતી. વાત કરીએ તો રાજુલાના છતડીયા ગામ નજીક આવેલા બ્રિજ પર ડીઝલ ભરેલા એક ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, ડીઝલ ભરીને જઈ રહેલું ટેન્કર જ્યારે છતડીયા ગામના બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી. ટેન્કરમાં જ્વલનશીલ ડીઝલ હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી અને જોતજોતામાં આખું ટેન્કર આગની લપેટમાં આવી ગયું હતું. હાઇવે પર લાગેલી આ આગને કારણે દૂર-દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરાયો
ડીઝલ ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. સલામતીના કારણોસર પોલીસે અમરેલી-ભાવનગર હાઇવેની બંને સાઈડનો વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરી દીધો છે. હાઇવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે અને લોકોને સુરક્ષિત અંતરે રહેવા સૂચના આપવામાં આવી છે.