Last Updated on by Sampurna Samachar
ભૂતપૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું
ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં બુમરાહે ફિટનેસના કારણે કર્યો ઇનકાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડ સામે ૫ મેચની ટેસ્ટ સિરીઝ રમશે. જ્યાં પહેલી મેચ ૨૦ જૂને રમાશે. આ વખતે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપની કમાન શુભમન ગિલના હાથે છે. ઉલ્લેખનીય છે કે શુભમન ગિલ પહેલાં બુમરાહને કેપ્ટનશીપ સોંપવાની હતી. પરંતુ બુમરાહે પોતાની ફિટનેસના કારણે કેપ્ટનશીપ કરવાનો ઇનકાર કરી દીધો જેથી શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો. એવામાં ભૂતપૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહ (YOGRAJ SINGH) નું એક અવલોકન સામે આવ્યું છે કે, બુમરાહ વારંવાર ઈજાગ્રસ્ત કેમ થાય છે?
એક ઇન્ટરવ્યૂ દરમિયાન યોગરાજ સિંહે ખેલાડીઓનું વારંવાર ઈજાગ્રસ્ત થવાનું કારણ જણાવતા કહ્યું કે, બુમરાહ અને અન્ય ક્રિકેટરોનું વારંવાર ઈજાગ્રસ્ત થવાનું કારણ જીમ છે. શમી અને હાર્દિક, તમારે તો બોડીબિલ્ડિંગની જરૂર જ નથી. જૂના સમયમાં, મોટા બોલરો ખૂબ જ લચીલા શરીર ધરાવતા હતા, આ સિવાય, વિવ રિચાર્ડ્સ પણ ૩૫ વર્ષ સુધી કોઈ જીમમાં ગયો ન હતો. આથી મને લાગે છે કે ક્રિકેટરોએ ૩૫-૩૬ વર્ષની ઉંમર પછી જ જીમમાં જવું જોઈએ, કારણ કે તમારી તાકાત ૩૬-૩૭ વર્ષ પછી શરૂ થાય છે.
ક્રિકેટમાં તમને લચીલા શરીરની જરૂર
યોગરાજ સિંહે વધુમાં કહ્યું કે, નાની ઉંમરે તમે જીમમાં જાઓ છો, તેથી જ વધુ ઈજાઓ થાય છે. જયારે જૂના સમયમાં ખેલાડીઓ જીમ જતા નહીં એટલે તેમને નહિવત્ ઈજાઓ થતી હતી. ક્રિકેટમાં તમને લચીલા શરીરની જરૂર હોય છે.
યોગરાજ સિંહે BCCI ને પણ વિનંતી કરતા કહ્યું કે, કૃપા કરીને ભગવાન ખાતર ક્રિકેટરોને જીમમાં ન મોકલો. કારણ કે હું માનું છું કે ક્રિકેટરોનું વધુ જીમમાં જવાના કારણે તેમને ઈજા થવાનો ખતરો વધી જાય છે, આથી તેમને જીમમાં ન મોકશો નહીં.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયો હતો. સિડની ટેસ્ટ દરમિયાન બુમરાહને પીઠમાં ખેંચાણની સમસ્યા થઈ હતી, જેના કારણે તેને મેચ અધવચ્ચે છોડીને હોસ્પિટલ જવું પડ્યું હતું. આ પછી, બીજી ઇનિંગ્સમાં બુમરાહે બોલિંગ પણ કરી ન હતી. તેમજ ઈજાના કારણે બુમરાહ IPL ૨૦૨૫ ની શરૂઆતની અમુક મેચ પણ રમી શક્યો ન હતો હવે જોવાનું રહેશે કે ઇંગ્લેન્ડ સામેની સિરીઝની કેટલી મેચ બુમરાહ રમશે?