Last Updated on by Sampurna Samachar
મેચ દરમિયાન સ્લો ઓવર રેટ બદલ દંટ ફટકાર્યો
IPL માં પ્રથમ કેપ્ટન કે જેણે ૩ ટીમોને ફાઇનલમાં પહોંચાડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ક્રિકેટર શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સે બીજા ક્વોલિફાયરમાં મુંબઈ ઇન્ડિયન્સને ૫ વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા હાર્દિક પંડ્યા અને ટીમે ૨૦૩ રન બનાવ્યા હતા. ઐયરની કેપ્ટન ઇનિંગ્સની મદદથી પંજાબને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહીં, તેઓએ ૧૯ ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું હતું. ટીમ ૨૦૧૪ પછી પહેલી વાર ફાઇનલમાં પહોંચી છે.
શ્રેયસે કેપ્ટન તરીકે પણ ઇતિહાસ રચ્યો હતો. તેણે ક્વોલિફાયર-૨ માં ૮૭ રનની મેચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. ૪૧ બોલમાં રમાયેલી આ ઇનિંગ્સમાં તેણે ૮ છગ્ગા અને ૫ ચોગ્ગા ફટકાર્યા હતા. આ શાનદાર ઇનિંગ્સ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. તે IPL ઇતિહાસમાં પ્રથમ કેપ્ટન બન્યો છે જેણે તેની કેપ્ટનશીપ હેઠળ ૩ ટીમોને ફાઇનલમાં પહોંચાડી છે.
મેચ વરસાદને કારણે લગભગ ૨ કલાક મોડી શરૂ થઈ
જોકે, આ શાનદાર મેચ પછી પંજાબના કેપ્ટન શ્રેયસ (Shreyas) ને સ્લો ઓવર રેટ બદલ ૨૪ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ તેમની ટીમ દ્વારા આ નિયમનું બીજું ઉલ્લંઘન હતું. BCCI એ આ અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું. નિવેદનમાં BCCI એ લખ્યું હતું કે, “અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે IPL ૨૦૨૫ની બીજા ક્વોલિફાયર મેચ દરમિયાન સ્લો ઓવર રેટ બદલ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર પર દંડ ફટકારવામાં આવ્યો છે.
IPL આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓ સંબંધિત આ સીઝનમાં આ તેમની ટીમનો બીજાે ગુનો હોવાથી ઐયર પર ૨૪ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઇમ્પેક્ટ પ્લેયર સહિત બાકીના પ્લેઇંગ ઇલેવન સભ્યોને વ્યક્તિગત રીતે ૬ લાખ રૂપિયા અથવા તેમની સંબંધિત મેચ ફીના ૨૫ ટકા જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો હતો.”
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પર પણ તેમની ટીમ દ્વારા સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આ મેચ વરસાદને કારણે લગભગ ૨ કલાક મોડી શરૂ થઈ હતી, જોકે તેમાં કોઈ ઓવર કાપવામાં આવી ન હતી.