Last Updated on by Sampurna Samachar
સરકારે જાહેર કર્યા આંકડા
ઑગસ્ટ મહિનામાં દેશની રિટેલ મોંઘવારી વધીને ૪.૮૨% થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં મોંઘવારીના જે આંકડા સામે આવ્યા છે તેણે ફરી ચિંતા વધારી દીધી છે. વાત કરીએ તો સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ઑગસ્ટ મહિનામાં દેશની રિટેલ મોંઘવારી વધીને ૪.૮૨% થઈ છે. જુલાઈમાં રિટેલ મોંઘવારી દર ૪.૪૫% હતો.
ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે મોંઘવારી પર દબાણ વધ્યું છે.

ઑગસ્ટમાં ખાદ્ય મોંઘવારી દર જુલાઈના ૫.૫૨%થી વધીને ૫.૯૫% થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં ખાદ્ય મોંઘવારી ૫.૬૪%, જ્યારે શહેરી વિસ્તારમાં ૬.૧૩% નોંધાઈ છે.
ઑગસ્ટમાં ડુંગળીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ડુંગળીની મોંઘવારી દર જુલાઈના ૨૨.૫૪%થી વધીને ઑગસ્ટમાં ૪૮.૨૭% થઈ ગયો છે. જ્યારે લસણની મોંઘવારી દર ૩૫.૩૬%થી વધીને ૪૩.૬૦% પર પહોંચી છે.
ખાંડના ભાવમાં વધારોએ મોંધવારી દબાણનુ મુખ્ય પરિબળ
બીજી તરફ, આદુના ભાવમાં થોડી રાહત જાેવા મળી છે. આદુની મોંઘવારી દર જુલાઈના ૮૩.૫૭%થી ઘટીને ઑગસ્ટમાં ૭૩.૮૨% થયો છે. ડુંગળી અને લસણના ભાવ વધ્યા હોવા છતાં કેટલીક શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ઑગસ્ટમાં ટામેટાના ભાવમાં ૩૧.૦૯%નો ઘટાડો થયો છે, જ્યારે જુલાઈમાં આ ઘટાડો ૪.૬૦% હતો.બટાકાની મોંઘવારી દર -૧૩.૧૪% રહી છે, જે જુલાઈના -૧૬.૫૬% કરતાં ઓછી ઘટાડાની સ્થિતિ દર્શાવે છે. ભીંડાના ભાવમાં પણ ૫.૪૧%નો ઘટાડો નોંધાયો છે.
ઑગસ્ટમાં ખાંડના ભાવ રૅકોર્ડ સ્તરે પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. ઘરેલુ બજારમાં ભાવને નિયંત્રણમાં રાખવા માટે ભારત દ્વારા ખાંડની નિકાસ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ સપ્ટેમ્બરના અંત સુધી અમલમાં રહેવાનો છે. ખાંડના ભાવમાં વધારો પણ મોંઘવારી પર દબાણ વધારતો પરિબળ બન્યો છે.
આગામી સમયમાં મોંઘવારીનો ટ્રેન્ડ મુખ્યત્વે ચોમાસાની સ્થિતિ અને કૃષિ ઉત્પાદન પર આધાર રાખશે. સામાન્ય ચોમાસાથી પાકનું ઉત્પાદન સારું રહેવાની અને ખાદ્ય ચીજાેના ભાવ નિયંત્રણમાં રહેવાની શક્યતા છે. જ્યારે અનિયમિત વરસાદ અથવા હવામાનમાં ફેરફારથી કૃષિ ઉત્પાદનોના ભાવ પર દબાણ વધી શકે છે.
આ ઉપરાંત વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ પણ ભારત માટે મોટું જાેખમ બની શકે છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થાય તો ઇંધણ અને પરિવહન ખર્ચ વધવાની સાથે આયાતી મોંઘવારીનું દબાણ પણ વધી શકે છે.
RBI એ નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે મોંઘવારીનો અંદાજ અગાઉના ૫.૧%થી ઘટાડીને ૫% કર્યો છે. RBI ની મોનેટરી પોલિસી કમિટીએ ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ અને સપ્લાય સંબંધિત દબાણમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ અંદાજમાં ફેરફાર કર્યો હતો. નજીકના સમયમાં હેડલાઇન મોંઘવારીમાં વધારો થઈ શકે છે અને ત્યારબાદ તેમાં ઘટાડો જાેવા મળી શકે છે.