Last Updated on by Sampurna Samachar
કેસર કેરીનું પહેલું બોક્સ ૧૧૧૧૧ રૂપિયામાં વેચાયું!
તાલાલા ગીર ખાતે વિશ્વપ્રસિદ્ધ કેસર કેરીની હરાજીમાં વેપારીઓ, ખેડૂતો અને ખરીદદારોમાં વિશેષ ઉત્સુકતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાલાલા ગીર ખાતે વિશ્વપ્રસિદ્ધ કેસર કેરીની હરાજીનો ઔપચારિક પ્રારંભ ઉત્સાહભેર થયો છે. આ વર્ષે સિઝનની શરૂઆત સાથે જ વેપારીઓ, ખેડૂતો અને ખરીદદારોમાં વિશેષ ઉત્સુકતા જોવા મળી રહી છે.

પ્રથમ જ દિવસે હરાજીમાં ૧૦ કિલો કેસર કેરીનું પહેલું બોક્સ ૧૧,૧૧૧ રૂપિયામાં ખરીદવામાં આવ્યું. આ રકમ ગૌશાળાના લાભાર્થે સમર્પિત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે, જેના કારણે આ હરાજીને ધાર્મિક અને સામાજિક સ્પર્શ પણ મળ્યો છે.
બજારમાં સારી ચહલપહલ રહેવાની શક્યતા
આ દ્રશ્યો છે એકમાત્ર ગીરની પ્રખ્યાત કેસર કેરીની હરાજી થતા માર્કેટિંગ યાર્ડના, જ્યાં આજે વિધિવત રીતે ગીરની શાન ગણાતી કેસર કેરીની હરાજીનો વિધિવત રીતે પ્રારંભ થયો છે અને હરાજીના પ્રારંભિક દિવસે જ કેસર કેરીના ભાવમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. બજારમાં ૧૦ કિલોના એક બોક્સના સરેરાશ ભાવ ૬૦૦ રૂપિયાથી લઈને ૧૪૦૦ રૂપિયા સુધી બોલાયા હતા. ગુણવત્તા, કદ અને માંગ પ્રમાણે ભાવમાં ફરક જોવા મળ્યો હતો.
વેપારીઓના જણાવ્યા મુજબ, આ શરૂઆતના ભાવોને જોતા આ વર્ષે ખેડૂતોને સારી આવક મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાલાલા મેંગો માર્કેટમાં માત્ર તાલાળા ગીર જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ કેસર કેરીની આવક થતી હોવાથી બજારમાં સારી ચહલપહલ રહેવાની શક્યતા છે.
આ વર્ષે કેરીના ઉત્પાદનને લઈ તાલાળા મેંગો માર્કેટ ચેરમેનના જણાવ્યા મુજબ કેરીની સિઝન લાંબી ચાલશે અને સાથે ત્રણ તબક્કા ફ્લાવરિંગ આવ્યું હોવાથી અને આસપાસના વિસ્તારોમાંથી પણ ખેડૂતો તાલાળા ગીરમાં કેસર કેરી લઈને આવતા હોવાથી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસર કેરીની આવક વધુ રહેવાની સંભાવના છે અને સિઝન લાંબી ચાલવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
કેરીની આવક તબક્કાવાર બજારમાં આવશે અને સિઝન અંદાજે દોઢ મહિના સુધી લંબાઈ શકે છે.
આ પરિસ્થિતિ ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ શકે છે, કારણ કે સતત આવક મળવાની શક્યતા વધે છે. આમ તાલાળા ગીરની કેસર કેરીની હરાજી માત્ર વેપાર માટે જ નહીં, પરંતુ સામાજિક અને આર્થિક રીતે પણ મહત્વપૂર્ણ બની રહી છે. હવે આવનારા દિવસોમાં બજારના ભાવ, આવક અને માંગ પર સૌની નજર રહેશે.