પાપારાઝીને તેમના બાળકોની તસવીર ન લેવા કરાઇ વિનંતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અભિનેતા સૈફ અલી ખાન પર તાજેતરમાં જીવલેણ હુમલો થયો હતો. જે હુમલાની ગંભીરતાને જોતા સૈફ અને તેની પત્ની કરીના કપૂરે હવે તેમના પરિવાર માટે સખત ર્નિણય લીધો છે. તેમણે નક્કી કર્યું કે તે તેમના બાળકોને પાપારાઝીથી દૂર રાખશે.
સૈફ અને કરીનાએ આ ર્નિણય એટલા માટે લીધો છે કે તેમના બાળકો અને પરિવારની પ્રાઈવસી જળવાઈ રહે. અહેવાલો અનુસાર, સ્ટાર કપલના પીઆર મેનેજરે પાપારાઝી સાથે મીટિંગ કરી હતી, જેમાં તેમણે ફોટોગ્રાફર્સને કપલના ઘરની બહાર હાજર રહેવાની મનાઈ કરી હતી. જેહ અને તૈમુરની તસવીરો ન લેવાનું પણ કહ્યું હતું.
સૈફ-કરીના અથવા તેમના પરિવારના સભ્યો જ્યારે ઘરની બહાર આવે કે જાય ત્યારે તેમની તસવીરો ન ખેંચવા વિનંતી કરવામાં આવી છે. જોકે તેમણે કહ્યું છે કે જ્યારે સૈફ કે કરીના કોઈ પણ ઈવેન્ટમાં જાય છે ત્યારે તેમની તસવીરો ચોક્કસ લઈ શકાય છે.
૧૬ જાન્યુઆરીની સવારે મુંબઈના બાંદ્રામાં સૈફ અલીના આલીશાન મકાનમાં તેની પર જીવલેણ હુમલો થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. અભિનેતાને ૨૧ જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.