Last Updated on by Sampurna Samachar
30 માર્ચથી શરૂ થઇ રહી છે ચૈત્રી નવરાત્રી
પાવાગઢ મંદિરે પણ કરાયો ફેરફાર જુઓ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રીઆરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી ચૈત્રી નવરાત્રી નિમિત્તે આરતી-દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર અંબાજી (AMBAJI) માં યાત્રાળુઓને સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે જેની જાહેર જનતાને નોંધ લેવા વિનંતી કરાઈ છે.
તા. ૩૦/૦૩/૨૦૨૫ ને ચૈત્ર સુદ – ૧ (એકમ) રવિવારના ઘટસ્થાપન સવારે ૦૯:૧૫ કલાકે કરવામાં આવશે. જેમાં આરતી સવારે ૦૭:૦૦ થી ૦૭:૩૦, દર્શન સવારે ૦૭:૩૦ થી ૧૧:૩૦, રાજભોગ બપોરે ૧૨:૦૦ કલાકે, દર્શન બપોર ૧૨:૩૦ થી ૧૬:૩૦, આરતી સાંજે ૧૯:૦૦ થી ૧૯:૩૦, દર્શન સાંજે ૧૯:૩૦ થી ૨૧:૦૦ વાગ્યા સુધીનો સમય રહેશે. તા.૦૫/૦૪/૨૦૨૫ને ચૈત્ર સુદ-૮ (આઠમ)ના રોજ આરતીનો સમય સવારે ૦૬:૦૦ વાગ્યાનો રહેશે. તા.૧૨/૦૪/૨૦૨૫ને ચૈત્ર સુદ-૧૫ (પુનમ)ના રોજ આરતીનો સમય સવારે ૦૬:૦૦ વાગ્યાનો રહેશે તેમજ તા.૦૬/૦૪/૨૦૨૫ થી મંદિરના દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે.
એકમ, આઠમ, નોમ અને પૂનમના દિવસે સવારે ૪ વાગ્યે ખૂલશે
તમામ ભક્તજનોને વિનંતી છે કે, તેઓ ઉપરોક્ત સમય મુજબ દર્શન માટે આગમન કરે તેમ જણાવ્યું છે. પાવાગઢમાં પણ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાવાગઢમાં એકમ, આઠમ, નોમ અને પૂનમના દિવસે મંદિર સવારે ૪ વાગ્યે ખુલશે. બાકીના દિવસોમાં મંદિર સવારે ૫ વાગ્યે ખુલશે. નવરાત્રિ દરમિયાન મંદિર રાત્રે આઠ વાગ્યે બંધ થઈ જશે.