Last Updated on by Sampurna Samachar
જૂની અદાવતમાં પાઇપ-ધોકાથી કર્યો હતો હુમલો
સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના વાડજમાં સગીર યુવક પર થયેલા હિંસક હુમલાના મામલામાં વાડજ પોલીસે કાયદાનો સકંજો વધુ મજબૂત કર્યો છે. ગત ૭ જૂનની મોડી રાત્રે બનેલી આ સનસનાટીભરી ઘટનામાં સંડોવાયેલા વધુ ત્રણ મુખ્ય આરોપીઓને પોલીસે ઝડપી પાડીને જેલભેગા કરી દીધા છે. આ કેસમાં અગાઉ બે આરોપી પકડાઈ ચૂક્યા છે, જ્યારે આ ત્રણની ધરપકડ સાથે પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા પાંચ થઈ ગઈ છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ લોહિયાળ ખેલ માત્ર બે મહિના જૂની સામાન્ય માથાકૂટ અને અદાવતનો બદલો લેવા માટે ખેલાયો હતો.મળતી માહિતી મુજબ, ૭ જૂનની રાત્રે આરોપીઓએ સગીર યુવકને ઘેરી લીધો હતો અને તેના પર સ્ટીલની પાઇપ તેમજ લાકડાના ધોકા વડે બેરહેમીથી તૂટી પડ્યા હતા. આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં હિમાંશુ ઉર્ફે બંટો, સાહિલ, મોહિત સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
વાડજ પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી
ઘટનાની ગંભીરતાને જોતાં વાડજ પોલીસે ટીમો બનાવીને તપાસ તેજ કરી હતી.પોલીસે અગાઉ આ કેસમાં મોહિત પરમાર અને કરણ ચૌહાણ નામના બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જ્યારે હવે કડક કાર્યવાહી કરીને હુમલાના મુખ્ય સૂત્રધાર એવા હિમાંશુ ઉર્ફે બંટો વાઘેલા, સાહિલ વાઘેલા અને રવિન્દ્ર ઉર્ફે રવિરાજ પુરોહિતની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનેગારોમાં પોલીસનો ખોફ રહે તે માટે વાડજ પોલીસે આ તમામ આરોપીઓ સામે કડક કાનૂની રાહે કાર્યવાહી હાથ ધરી છે. જૂની અદાવતમાં સગીર પર આ પ્રકારે ઘાતકી હુમલો થતાં સ્થાનિક વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી.