Last Updated on by Sampurna Samachar
પોલીસે ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો
કારનો પીછો કરતાં દરમિયાન કાર પલટી ગઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટના ભાયાવદર પોલીસની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન સાતવડી-પડવલા રોડ પરથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ લક્ઝરી કાર પર પોલીસની નજર પડી હતી. પોલીસે કારચાલકને ઉભા રહેવા ઈશારો કર્યો હતો, પરંતુ અંદર બેઠેલા બુટલેગરોએ પોલીસને જોઈને ગાડી ઉભી રાખવાને બદલે પાનેલી તરફ જવાના રસ્તે પૂરપાટ ઝડપે ભગાવી મૂકી હતી.

બુટલેગરો ભાગતા જ ૧૧૨ નંબરની પોલીસ ટીમે પણ સરકારી વાહનની સાયરન ચાલુ કરીને ફિલ્મી ઢબે આ કારનો પીછો શરૂ કર્યો હતો. પોલીસની સ્પીડ અને સતત પીછો જોઈને કાર ચલાવી રહેલા બુટલેગરના મનમાં ભારે ભય પેસી ગયો હતો.
ભાયાવદર પોલીસે બે આકોપીઓ સામે ગુનો નોંધ્યો
પડવલા ગામ નજીક વળાંક પાસે કારની ઓવરસ્પીડના કારણે ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ક્ષણભરમાં જ દારૂ ભરેલી આ કાળી કાર રોડ પરથી ઉતરીને ગોથા ખાતી પલટી મારી ગઈ હતી.અકસ્માત થતાં જ પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાર પલટી મારવાના કારણે અંદર બેઠેલા બે પૈકી એક બુટલેગરને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી પોલીસે માનવતા દાખવી તેને તાત્કાલિક સારવાર માટે ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
જ્યારે પોલીસે કારની અંદર તપાસ કરી તો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ ઓડિટ અનુસાર કારમાંથી ૧,૫૨,૪૩૪ ની કિંમતની ૨૦૪ બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. ભાયાવદર પોલીસે રણજીત ભૂતિયા અને અરજણ ઉર્ફ લાલો ઉર્ફ ભૂરી ભારવાડીયા નામના બંને ઇસમો વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, દારૂ અને કાર સહિત કુલ ૩,૧૭,૪૩૪ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાનૂની કાર્યવાહી તેજ કરી છે.