કારનો દરવાજો કાપીને બંન્ને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગાંધીનગરના નાના ચિલોડામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ૨ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. લીંબડીયા કેનાલ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ૨ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. કારનો દરવાજો કાપીને બંન્ને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
ત્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાત સુધી, સૌરાષ્ટ્રથી માંડીને મધ્ય ગુજરાત સુધી અકસ્માતોની વણઝાર થઈ હતી. સાબરકાંઠાના વડાલી નજીક ઝાડ સાથે કાર અથડાતા સવાર બંને યુવકોના મોત નિપજ્યા હતા. તો બનાસકાંઠાના ખિમાણા-રાધનપુર હાઇવે પર કારે પલટી મારી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ૪ સભ્યોનો આબાદ બચાવ થયો હતો.બીજી તરફ NH -૪૮ પર બસની પાછળ ધડાકાભેર ટ્રેલરની ટક્કર થઇ હતી. બસમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કર્મચારીઓ સવાર હતા. તો જૂનાગઢમાં ૨ યુવતીને ખાનગી બસે ટક્કર મારતા એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. તો અમદાવાદના વસ્ત્રાલ નજીક ટ્રકની અડફેટે આવતા બાઇક સવારનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. આ તરફ દાહોદના છાપરવડ નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતુ.