Last Updated on by Sampurna Samachar
લિમીટ કરતા ૧૬૦ ગણો વધુ ગાંજો હોવાનું જાણવા મળ્યું
કેનેડાની ટીમનો ભાગ બની શકશે કે નહીં તે સવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલ IPL ૨૦૨૫ ચાલી રહ્યું છે, એવામાં બાર્બાડોસથી મોટા સમાચાર સામે આવ્યા છે કે કેનેડા ટીમના સ્ટાર બેટર નિકોલસ ર્કિટનની પોલીસે ધરપકડ કરી લીધી છે. નિકોલસ બાર્બાડોસના ગ્રાન્ટલી એડમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પકડાયો હતો અને તેની પાસેથી ૯ કિલો ડ્રગ્સ (કેનાબીસ) મળી આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિકોલસ ૨૦ પાઉન્ડ (લગભગ ૯ કિલો) ગાંજો લઈ જઈ રહ્યો હતો. મળતી માહિતી મુજબ, કેનેડામાં ૫૭ ગ્રામ સુધી ગાંજો રાખવો ગુનો માનવામાં આવતો નથી, પરંતુ તેને જાહેરમાં લઈ જવાની મંજૂરી પણ નથી. નિકોલસ પાસે લિમીટ કરતા ૧૬૦ ગણો વધુ ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. નિકોલસની ધરપકડ બાદ હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું તે ફરીથી કેનેડાની ટીમનો ભાગ બની શકશે કે નહીં ? નોર્થ અમેરિકા કપમાં તેની રમવાની તક ઘટી ગઈ છે. આ ટુર્નામેન્ટ ૧૮મી એપ્રિલથી શરૂ થશે.
ઓમાન સામે કેનેડા માટે ડેબ્યૂ કર્યું
નિકોલસ ર્કિટન એક ડાબોડી ઓલરાઉન્ડર છે જે સારી બેટિંગની સાથે સારી બોલિંગ પણ કરી શકે છે. બાર્બાડોસમાં જન્મેલા નિકોલસ અંડર-૧૭ અને અંડર-૧૯ લેવલ પર વેસ્ટ ઈન્ડિઝની ટીમનો ભાગ રહી ચૂક્યા છે, પરંતુ તે વેસ્ટ ઈન્ડિઝ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી શક્યો નથી.
નિકોલસ ર્કિટનના મમ્મી કેનેડાના હતા, તેથી તે કેનેડિયન ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમ માટે રમવા માટે લાયક હતો. તેણે ૨૦૧૮ માં ઓમાન સામે કેનેડા માટે ડેબ્યૂ કર્યું હતું અને ૨૦૨૪ માં તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ગયા વર્ષે જુલાઈમાં નિકોલસને તમામ ફોર્મેટમાં કેનેડાની કેપ્ટનશીપ આપવામાં આવી હતી. નિકોલસે તેના ઇન્ટરનેશનલ કરિયરમાં અત્યાર સુધી ૨૧ વનડે રમી છે, જેમાં તેણે ૫૧૪ રન બનાવ્યા છે. તેણે ૨૮ T૨૦ મેચમાં ૬૨૭ રન બનાવ્યા છે.