Last Updated on by Sampurna Samachar
મુસાફરોને અસુવિધા થતાં ઘટનાનો વિડીયો વાયરલ
NWKRTC મેનેજરને તપાસના આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકના હાવેરી જિલ્લામાં એક સરકારી બસ ડ્રાઇવર દ્વારા ફરજ દરમિયાન બસને અધવચ્ચે રોકીને નમાજ પઢવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કર્ણાટક પરિવહન વિભાગે તપાસના આદેશ આપ્યા છે. ડ્રાઇવરના આ પગલાંથી મુસાફરોને અસુવિધા થઈ અને કેટલાક મુસાફરોએ આ અંગે ફરિયાદ નોંધાવી છે.
આ ઘટના ૨૯ એપ્રિલના રોજ બની હતી. કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ હુબલીથી હાવેરી જઈ રહી હતી. વાયરલ વીડિયોમાં ડ્રાઇવર બસની અંદર એક સીટ પર બેસીને નમાઝ પઢતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ડ્રાઇવર સંપૂર્ણપણે નમાઝમાં લીન છે, જ્યારે કેટલાક મુસાફરો તેને જોઈ રહ્યા છે. બહાર રસ્તા પર ટ્રાફિક સામાન્ય રીતે ચાલી રહ્યો હતો. આ ઘટના હુબલી-હાવેરી રોડ પર જાવેરી નજીક બની હતી. ડ્રાઇવરની ઓળખ એ. કે. મુલ્લા તરીકે થઈ છે.
બસને અધવચ્ચે રોકીને નમાઝ પઢવું એ વાંધાજનક
બસમાં હાજર કેટલાક મુસાફરોએ આ ઘટનાને પોતાના મોબાઇલ ફોનમાં રૅકોર્ડ કરી અને સોશિયલ મીડિયા પર શેર કરી. મુલ્લાનો નમાઝ પઢતો હોવાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. મુસાફરોનું કહેવું છે કે બસને અધવચ્ચે રોકવાથી અમારી મુસાફરીમાં વિલંબ થયો અને અમારે અસુવિધાનો સામનો કરવો પડ્યો. કેટલાક મુસાફરોએ આ અંગે પરિવહન નિગમના અધિકારીઓને ફરિયાદ કરી હતી.
કર્ણાટકના પરિવહન મંત્રી રામલિંગા રેડ્ડીએ આ ઘટનાની નોંધ લીધી અને ઉત્તર પશ્ચિમ કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના મેનેજરને પત્ર લખીને તપાસનો આદેશ આપ્યો છે. તેમણે પોતાના પત્રમાં કહ્યું કે, જાહેર સેવામાં કામ કરતા કર્મચારીઓએ ફરજિયાતપણે અમુક નિયમો અને કાયદાઓનું પાલન કરવું પડે છે. દરેક વ્યક્તિને પોતાના ધાર્મિક પ્રથાઓનું પાલન કરવાનો અધિકાર છે, પરંતુ ફરજના સમય દરમિયાન તે ન કરવું જોઈએ. મુસાફરો સાથે બસને અધવચ્ચે રોકીને નમાઝ પઢવું એ વાંધાજનક છે.
ઉત્તર પશ્ચિમ કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ૫૮ વર્ષીય મુલ્લા બે દિવસ પહેલા ફરજ પર હતા ત્યારે નમાઝ પઢતા જોવા મળ્યા હતા. NWKRTC ના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી કે ડ્રાઇવર સામે વિભાગીય તપાસ શરુ કરી દેવામાં આવી છે.
અધિકારીઓનું કહેવું છે કે અમે વીડિયોની સત્યતા અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરીશું. મુસાફરોની ફરિયાદોના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર આ મુદ્દા પર તીખી ચર્ચા શરુ થઈ ગઈ છે. કેટલાક લોકોએ ડ્રાઇવરના આ પગલાંને અયોગ્ય ગણાવ્યું અને કડક કાર્યવાહીની માગ કરી છે.