Last Updated on by Sampurna Samachar
૧૦ થી ૧૫ જેટલા યુવકોએ ઘૂસી આતંક મચાવ્યો
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકો માટે સ્નાનાગાર તૈયાર કરાયા છે. લોકો અહીં ગરમીની સિઝનમાં સ્વીમીંગ શીખવા માટે આવતા હોય છે. આ સ્વીમીંગપુલમાં હવે રાતના સમયે કેટલાક અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા હોવાની ફરિયાદ સામે આવી છે.

મળતી માહિતી મુજબ સરસપુરમાં સ્થિત સ્વીમીંગ પુલમાં રાતના સમયે કેટલાક ઘૂસણખોરોએ ગેરકાયદેસર રીતે ઘૂસીને આતંક મચાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સરસપુર વિસ્તારના આ સ્વીમિંગપુલમાં ૧૦ થી ૧૫ જેટલા યુવકો બળજબળી પૂર્વક ઘૂસ્યા હતાં. મોટા અવાજે સ્પીકર પર ગીતો વગાડીને પાણીમાં ધૂબાકા મારતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
પોલીસ પહોંચે તે પહેલા જ લોકો ભાગી ગયા
રાતના સમયે આ સ્વીમિંગપુલ આમતો બંધ કરી દેવામાં આવે છે. તેમ છતાંય કેટલાક માથાભારે તત્વોએ મોડી રાત્રે આ સ્વીમિંગપુલની પાછળની દિવાલ પરથી કૂદીને અંદર પ્રવેશી આતંક મચાવ્યો હતો.આ તત્વોએ સિક્યુરિટી ગાર્ડને પણ ધમકીઓ આપી હોવાનું જાણવા મળ્યું છે. શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયાં છે.
આ સમગ્ર ઘટનાને લઈને નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલેશ પટેલે કહ્યું હતું કે, આ ઘટના અંગેની ફરિયાદ મળી છે. અહીં અગાઉ સુરક્ષા માટે બાઉન્સર ગોઠવાયા હતાં. જ્યારે આ ઘટનાની માહિતી મળી ત્યારે પોલીસ પહોંચે તે પહેલા જ લોકો ભાગી ગયા હતાં. પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. તેમજ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી અને સુરક્ષા વ્યવસ્થાની પણ સમિક્ષા હાથ ધરાઈ છે. જરૂર પડશે તો દીવાલ ઊંચી કરાશે.