Last Updated on by Sampurna Samachar
રાણીપમાં ડી-માર્ટ પાસે BRTS બસ અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર
લોકોમાં તંત્ર અને ડ્રાઈવર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં વાહનચાલકોની બેદરકારી અને સ્પીડના કારણે માર્ગ અકસ્માતોનો ગ્રાફ સતત વધી રહ્યો છે. શહેરના રાણીપ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં પુરપાટ ઝડપે આવતી BRTS બસે એક બાઈકને જોરદાર ટક્કર મારી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડી-માર્ટ નજીક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં પસાર થઈ રહેલી એક BRTS બસ અને બાઈક વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે આસપાસ ઉભેલા લોકો પણ ધડાકો સાંભળીને ચોંકી ઉઠ્યા હતા. બસની સ્પીડ વધારે હોવાના કારણે અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફગાવી દેવાયા હતા અને ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયા હતા.
ફરાર BRTS ડ્રાઈવરને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી
આ દુર્ઘટના સર્જાયા બાદ તરત જ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જેના કારણે રોડ પર મોટા પ્રમાણમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ પકડાઈ જવાના ડરથી હોબાળો મચતા જ બીઆરટીએસ બસનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. ડ્રાઈવરના આ નકારાત્મક વલણના કારણે ત્યાં એકઠા થયેલા લોકોમાં તંત્ર અને ડ્રાઈવર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો.
સ્થાનિક લોકોએ અકસ્માત અંગે તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતમાં બાઇક સવાર બે વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ અને ભારે રક્તસ્ત્રાવ થયો હોવાથી તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધી, ફરાર BRTS ડ્રાઈવરને પકડવા માટે આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.