Last Updated on by Sampurna Samachar
૧૮ થી ૨૦ કિલોમીટરની સોલો ફ્લાઇટ સફળતાપૂર્ણ પૂર્ણ કરી
આ તાલીમ અત્યંત કઠિન અને પડકારજનક હોય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
છોટાઉદેપુર જિલ્લાની બે યુવતીઓ, શ્વેતા રાઠવા અને જાહ્નવી પટેલે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. વાત કરીએ તો હિમાચલ પ્રદેશના વિશ્વવિખ્યાત બીર-બિલિંગ ખાતે પેરાગ્લાઇડિંગની P1 અને P2 લેવલની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને સત્તાવાર પેરાગ્લાઇડિંગ પાઇલટ લાયસન્સ મેળવ્યું છે. આ ઉપલબ્ધિ માત્ર તેમની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ તે છોટાઉદેપુર અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની એક અનન્ય ક્ષણ બની છે.

આ તાલીમ અત્યંત કઠિન અને પડકારજનક હોય છે, જેમાં ટેક-ઓફ , લેન્ડિંગ , ગ્લાઇડરનું નિયંત્રણ, હવામાનની ગહન સમજણ, ઇમરજન્સી હેન્ડલિંગ અને સલામતીના તમામ માપદંડોને પાર પાડવા પડે છે. શ્વેતા અને જાહ્નવી બંને દીકરીઓ આ તમામ પાસાઓમાં સફળ રહી છે. તાલીમના અંતિમ ચરણમાં, તેમણે લગભગ ૧૮ થી ૨૦ કિલોમીટરની સોલો ફ્લાઇટ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી, જે કોઈપણ પેરાગ્લાઇડર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાય છે.
છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈને બંને દિકરીઓને બિરદાવી
જાહ્નવી પટેલે પોતાની પ્રથમ સોલો ફ્લાઇટનો અનુભવ વર્ણવતા કહ્યું, “સોલો ફ્લાયમાં તમારે વ્યક્તિગત રીતે ઉડવાનું હોય છે. જ્યારે હું મારી પ્રથમ સોલો ફ્લાય કરવા માટે ઉડી, ત્યારે મારી આંખમાંથી ખુશીના આંસુ સરી પડ્યા હતા. તે ખુશી કંઇક અલગ જ હતી. જ્યારે મને અનુભવ થયો કે હું હવામાં ઉડી રહી છું, ત્યારે તે અનુભૂતિ બહુ અલગ હતી.” આ તેમના દ્રઢ નિશ્ચય અને જુસ્સાનું પ્રતીક છે.
શ્વેતા રાઠવાએ તેમની તાલીમ પ્રક્રિયા વિશે માહિતી આપતા જણાવ્યું કે હિમાચલના બીર-બિલિંગમાં ૭ દિવસનો P1 અને P2 કોર્સ હોય છે. જેમાં પ્રથમ ચાર દિવસ ગ્રાઉન્ડ ટ્રેનિંગ આપવામાં આવે છે, જ્યાં પેરાગ્લાઇડરને સ્થિર કરવાનું શીખવવામાં આવે છે. ત્યારબાદના ત્રણ દિવસ બિલિંગ ખાતેની લેન્ડિંગ સાઇટ પર લઈ જઈને સોલો ફ્લાય કરતાં શીખવવામાં આવે છે. આ સઘન તાલીમે તેમને આત્મવિશ્વાસ અને જરૂરી કૌશલ્યો પૂરા પાડ્યા.
આ બંને યુવતીઓએ સાહસિક પ્રવાસનને નવી દિશા આપવાના ઉદ્દેશ્યથી “Sahsaa Roam” નામની ટ્રાવેલ કંપની પણ શરૂ કરી છે. તેઓ માને છે કે છોટાઉદેપુરના ડુંગરાળ વિસ્તારોમાં પણ એડવેન્ચર ટુરિઝમ અને પેરાગ્લાઇડિંગ માટે ઉજ્જવળ સંભાવનાઓ રહેલી છે. આ યુવતીઓ માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ પ્રદેશના વિકાસ અને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે.
છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈને પણ બંને દીકરીઓની સિદ્ધિને બિરદાવી અને તેને છોટાઉદેપુર જિલ્લા માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. તેમની આ પ્રેરણાદાયી યાત્રા દર્શાવે છે કે સાહસ, શિસ્ત અને સખત મહેનતથી સપનાઓની કોઈ સીમા નથી હોતી. આ દીકરીઓની સફળતા મહિલા સશક્તિકરણ અને યુવા પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.