Last Updated on by Sampurna Samachar
શહેરકોટડામાં ખંડેર મકાનમાંથી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ
પોલીસે દરોડો પાડીને ૫૬ બોટલ દારૂ–બિયર સાથે એક શખસને ઝડપી પાડ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને પોલીસ કડક સુરક્ષાના દાવા કરી રહી છે, ત્યારે અમદાવાદના શહેરકોટડાવિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. શારદાબેન હોસ્પિટલ પાસે એક ખંડેર મકાનમાંથીદારૂ વેચાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસેદરોડો પાડીને ૫૬ બોટલ દારૂ–બિયર સાથે એક શખસને ઝડપી પાડ્યો છે.

શહેરકોટડા વિસ્તારના ઠાકોરવાસમાં આવેલા એક ખુલ્લા ખંડેર મકાનમાં અંગ્રેજી દારૂનું વેચાણ થતું હોવાનોવીડિયો વાઈરલ થયો હતો, જેને પગલે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા.આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ખંડેર મકાનમાંથી વિદેશી દારૂની ૫૨ બોટલ અને ૪ બિયરના ટીન મળી કુલ ૫૬ નંગ જથ્થો મળી આવ્યો હતો.
ભૂરો નામના શખસની ધરપકડ
પોલીસે આ મામલે ઠાકોરવાસમાં જ રહેતા અને મજૂરી કામ કરતા ૨૯ વર્ષીય દીપક ઉર્ફે ભૂરો નામના શખસની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે કોઈ અજાણ્યો શખસ તેને આ જથ્થો આપી ગયો હતો. જો કે, પોલીસને આ નિવેદન શંકાસ્પદ લાગતા આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોણ મુખ્ય સૂત્રધાર છે તે દિશામાં તપાસ તેજ કરી છે.
શહેરકોટડા પોલીસે આરોપી દીપક સામે પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસઅધિકારીઓના જણાવ્યા મુજબ, હાલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવી રહ્યો છે. તે અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલો જણાશે તો તેની સામે પાસા હેઠળ અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.